જામ ખંભાળિયા, તા. 23 : વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર ડો.જગદીશભાઈ ત્રિવેદી સમાજમાં નિયમિત રીતે ખૂબ મોટી રકમનું અનુદાન કરવા માટે પણ આદરભર્યું સ્થાન ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેરના જમાઈ એવા સુવિખ્યાત હાસ્ય લેખક, કવિ અને ચિંતક ડો. જગદીશ ત્રિવેદી રાજ્યભરના જુદા જુદા વિસ્તારોમાં મેડિકલ તથા એજ્યુકેશન માટે નોંધપાત્ર અનુદાન આપી ચૂક્યા છે.
એમણે 25થી વધુ દેશોની કુલ 76 યાત્રાઓ કરીને દેશ-પરદેશમાં ત્રણ હજારથી વધુ કાર્યક્રમો આપ્યા છે. તેમના હસ્તે લખવામાં આવેલા 72 પુસ્તકો પૈકી 5 પુસ્તકોને સાહિત્ય અકાદમીના પુરસ્કાર અને એક પુસ્તકને સાહિત્ય પરીષદના પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ડો. ત્રિવેદી માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે તા. 12-10-2017 ના રોજ જીવનના પચાસ વર્ષ પુરા કરીને પછી પોતાના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે. જેમાં તેઓ વહીવટી ખર્ચ પણ લેતા નથી.
છેલ્લા પાંચ વર્ષમાં એમણે 8 સરકારી શાળાઓ, 7 સાર્વજનિક પુસ્તકાલયો અને એક બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળીને કુલ 16 જેટલી ઇમારતો ચણીને દાનમાં આપી છે. આ ઉપરાંત તેમને ઘણાં જરુરીયાતમંદ વિદ્યાર્થીઓની ફી અને ગરીબ દર્દીઓની સારવારનો ખર્ચ 5ણ આપી રહ્યા છે. આગામી રવિવાર તા. 2 એપ્રિલના રોજ ખંભાળિયામાં આવેલી મિડલ સર્કલથી ઓળખાતી સરકારી શાળાનું મંગલ ઉદઘાટન છે. આ શાળા એમના દ્વારા બનેલી આઠમી સરકારી શાળા છે. જેનો છાત્રાર્પણ સમારોહ જાણીતા કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા તેમજ વન પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો છે.
આ શાળાના ઉદઘાટન સાથે ડો. જગદીશ ત્રિવેદી દ્વારા થયેલા દાનની રકમ પાંચ કરોડને પાર કરશે. ત્રણ વખત પીએચડી કરી ચૂકેલા ડોક્ટર જગદીશ ત્રિવેદીના સાહિત્ય પર બે વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ એ જ શાળા છે જ્યાં તેમના સાસુ અને ખંભાળિયાના પૂર્વ નગર સેવિકા ભાનુબેન વસંતભાઈ ભટ્ટ કામ કરી ચૂક્યા છે અને આ સરકારી શાળાને માતૃશ્રી ભાનુબેન વસંતભાઈ ભટ્ટ મિડલ સ્કૂલનું નામ આપવામાં આવ્યું છે. (ફોટો:- કુંજન રાડિયા)