રાજકોટ,તા.23 : રાજસ્થાન ઉપરનાં સાયકલોનિક સર્કયુલેશન અને વેર્સ્ટન ડિર્સ્ટ બન્સની અસર હેઠળ ગઈકાલે મોડી બપોરે રાજકોટમાં ગાજવિજ સાથે ધોધમાર દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌથી વધુ, ઈસ્ટઝોનમાં -39 તથા વેસ્ટમાં -35 અને સેન્ટ્રલ ઝોનમાં 28- મી.મી. વરસાદ પડયો હતો.દરમ્યાન આજે સવારથી બપોરે 2:45 કલાકે આ લખાય છે
ત્યાં સુધી રાજકોટનું વાતાવરણ સૂર્ય પ્રકાશિત રહ્યું હતું. જો કે બપોર બાદ હવામાન વિભાગે રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જામનગર, બોટાદ, મોરબી, અને સુરેન્દ્રનગર, જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવિજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરી છે.
દરમ્યાન આજે બપોરે 1:30 કલાકે સૂર્ય પ્રકાશિત વાતાવરણ વચ્ચે શહેરનું તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. અને હવામાં ભેજ 46 ટકા રહ્યો હતો. તેમજ પવનની ઝડપ 10 કી.મી. પ્રતિકલાક નોંધાઈ હતી. જયારે આજે સવારે 8:30 કલાકે રાજકોટનું તાપમાન 24.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22.3 ડિગ્રી નોંધાયું હતું.તેમજ સવારે હવામાં ભેજ 87 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 10 કી.મી. રહેવા પામી હતી.