રાજકોટ,તા.23
વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાંથી અજાણ્યા યુવાનનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી દરમ્યાન મૃતક યુવાનની સાથે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હોવાની પોલીસે બનાવ સંદર્ભે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પણ સકંજામાં લઈ સઘન પૂછપરછ આદરી છે.
વધુ વિગતો મુજબ,મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મેસરિયા રોડ ઉપર આવેલ રંગપર પાસે સેન્ડબેરી ફાઇબર નામના નવા બનતા કારખાનામાં રહેતા અને કલર કામમાં મજૂરી કામ કરતા કોન્ટ્રાક્ટર હરપાલસિંહ કલ્લુસિંહ ભદોરીયા રાજપુત (ઉ.વ.32) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગલસિંહ રાજપુત(રહે.દોહઇ એમપી) સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવી છે કે તે સેન્ડબેરી ફાઇબર નામના કારખાનામાં કલર કામનો કોન્ટ્રાક રાખી મજૂરી કામ કરે છે.તેની સાથે ત્યાં જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી મંગલસિંહ રાજાવત, માનસિંહ ગોવિંદસિંહ રાજાબાદ, જીવન ઉર્ફે લલ્લુ બિજેન્દ્રસિંહ રાજાવત અને રાજકુમાર પ્રજાપતિ મજૂરી કામ કરતા હતા અને તા.20 ના રોજ રાતે જેકીભાઈ તથા રાજુ પ્રજાપતિ પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો થયો હતો ત્યારે તે બંનેને ઝઘડો કરવાની ના પાડી અલગ અલગ સુવડાવી દીધા હતા જોકે બીજા દિવસે સવારે તે બંને ચોટીલા બાજુ ગયા હતા અને ત્યાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગોળાઈમાં આવેલ બાવળની જાળીમાં રાજુભાઈ પ્રજાપતિ કુદરતી હાજતે ગયા હતા.
ત્યારે તેની પાછળ જેકી પણ ત્યાં ગયો હતો અને ત્યાં રાજુભાઈએ પૈસાની લેતી દેતી બાબતે તેને ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો.ત્યારબાદ તેની પાસેની છરી વડે રાજુભાઈ પ્રજાપતિને ગંભીર ઈજા કરી હતી અને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ જેકી પાછો પોતાના રૂમ ઉપર આવી ગયો હતો અને ત્યાં જઈને તેને ફરિયાદી કોન્ટ્રાક્ટર હરપાલસિંહ પાસેથી તેના મજૂરી કામનો હિસાબ પૂરો કરીને પૈસા આપી દેવા માટે ત્યાં અને પોતાને વતનમાં જવું છે તેવું કહ્યું હતું.
ત્યારે દરમ્યાન વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ફરિયાદી હરપાલસિંહ પાસે આવી પહોંચી હતી અને રાજુ પ્રજાપતિનો હત્યા કરેલો ફોટો મોબાઈલ ફોનમાં બતાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેની લાશ ફરિયાદી સહિતઓને બતાવી હતી ત્યારે તે લોકોને રાજૂ પ્રજાપતિને ઓળખી બતાવતા પોલીસે કોન્ટ્રાકટરની ફરિયાદ લઈને આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી મંગલસિંહ રાજપૂત સામે હત્યાનો ગુનો નોંધીને આરોપી જેકીને કારખાનેથી જ પકડી લઇ સઘન પૂછપરછ આદરી હતી.જો જેકીને કારખાનેદારે પગાર ચૂકવી દેત તો તે વતન જતો રહ્યો હોત અને ગુન્હાનો ભેદ ઉકેલવામાં મુશ્કેલી પડવાની પૂરેપૂરી શક્યતા હતી.