નવીદિલ્હી, તા.24
ટી-20 વર્લ્ડકપ-2022 જીતનારી ઈંગ્લેન્ડની ટીમે દેશના વડાપ્રધાન ઋષિ સુનક સાથે વર્લ્ડ ચેમ્પિયન બનવાની ઉજવણી કરી છે. ઈંગ્લેન્ડની ટીમે જીત મેળવ્યાના અંદાજે 130 દિવસ બાદ આ ઉજવણી કરાઈ છે. ઋષિ સુનક વડાપ્રધાન બન્યા બાદ અન્ય કામોમાં વ્યસ્ત હતા. આ જ કારણથી તેમને ક્રિકેટ ટીમ સાથે વિશ્વવિજયની ઉજવણી કરવાની તક મળી રહી નહોતી પરંતુ હવે સમય મળતાંની સાથે જ તેમણે આખી ટીમ સાથે જશ્ન મનાવ્યો છે.
ઑસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને ટ્રોફી જીતાડનારી ટીમના તમામ ખેલાડીઓ દેશના વડાપ્રધાનને મળ્યા હતા. આ દરમિયાન ઋષિ સુનકે તમામ ખેલાડીઓ સાથે ક્રિકેટ પણ રમ્યું હતું. સુનકના ક્રિકેટ રમવાનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સુનક સહિત ઈંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ સાદા કપડામાં ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે.
Prime Minister @RishiSunak playing cricket with the #T20 World Cup winning cricket team at 10 Downing Street. pic.twitter.com/Bqh57dVZce
— Luca Boffa (@luca_boffa) March 22, 2023
2022 ટી-20 વર્લ્ડકપના ફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો પાકિસ્તાન સામે થયો હતો. આ મેચમાં બોલરોનો દબદબો રહ્યો હતો પરંતુ અંતમાં ઈંગ્લેન્ડે જીત હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં સૈમ કરનનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી હતી. ખાસ કરીને અંતિમ ઓવરોમાં તેણે ધડાધડ વિકેટો ખેડવી હતી. ઈંગ્લેન્ડ દુનિયાની પહેલી એવી ટીમ છે જેણે એક સાથે વન-ડે વર્લ્ડકપ અને ટી-20 વર્લ્ડકપ પર કબજો કર્યો છે. તે 2019માં વન-ડે વર્લ્ડકપ પણ જીત્યું હતું.
વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને તાજેતરમાં જ બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 શ્રેણીમાં 0-3ના અંતરથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે જ જોશ બટલરની ટીમ ભારે ટીકાઓનો સામનો પણ કરી રહી છે. જો કે બટલરે આશા વ્યક્ત કરી છે કે તેની ટીમ જબદરસ્ત વાપસી કરશે. ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે પરંતુ મર્યાદિત ઓવરોમાં ટીમના પ્રદર્શનમાં ટેસ્ટ જેવી નિરંતરતા જોવા મળી રહી નથી.