વર્લ્ડકપ રમવા માટે શ્રેયસ અય્યરનું ઝનૂન સાતમા આસમાને: કમરની સર્જરી કરાવવાનો કર્યો ઈનકાર

24 March 2023 09:45 AM
India Sports
  • વર્લ્ડકપ રમવા માટે શ્રેયસ અય્યરનું ઝનૂન સાતમા આસમાને: કમરની સર્જરી કરાવવાનો કર્યો ઈનકાર

જો અત્યારે સર્જરી કરાવે તો છથી સાત મહિના આરામ કરવો પડે જેના કારણે તે વર્લ્ડકપમાંથી બહાર થઈ શકે: IPL નો પ્રથમ તબક્કો ગુમાવે તેવી શક્યતા

નવીદિલ્હી, તા.24
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી મીડલ ઑર્ડર બેટર શ્રેયસ અય્યર ફરીવાર પીઠની ઈજાને કારણે રમતથી દૂર થયો છે. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં તેને પીઠમાં ઈજા થઈ હતી. અય્યરે પોતાની આ ઈજામાંથી સાજા થવા માટે સર્જરી કરાવવી પડશે જેના કારણે તે છથી સાત મહિના સુધી ક્રિકેટથી દૂર થઈ જશે.

ક્રિકબઝના અહેવાલ પ્રમાણે શ્રેયસ અય્યરે પોતાની સર્જરી અત્યારે નહીં કરાવવાનો નિર્ણય લીધો છે. તે આઈપીએલ કરતાં વર્લ્ડકપ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. જો શ્રેયસ સર્જરી કરાવે છે તો ઓછામાં ઓછા છથી સાત મહિના સુધી બહાર થઈ જશે જેના કારણે તે વર્લ્ડકપમાં પણ ભાગ લઈ શકશે નહીં.

આ જ કારણથી તે બિલકુલ જોખમ લેવા માંગતો નથી. વર્લ્ડકપનું આયોજન ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં જ થવાનું છે. આ ઉપરાંત શ્રેયસ અય્યરના આઈપીએલમાં રમવાની અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ એવી વાત છે કે અય્યર ટૂર્નામેન્ટનો પ્રથમ તબક્કો કદાચ ગુમાવી શકે છે.

28 વર્ષીય અય્યરે ભારત માટે 49 ટી-20, 42 વન-ડે અને 10 ટેસ્ટ મુકાબલા રમ્યા છે. ટી-20માં અય્યરે 30.7ની સરેરાશ અને 136ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતાં 1043 રન બનાવ્યા છે જેમાં તેના બેટમાંથી સાત ફિફટી પણ નીકળી છે. અય્યરે વન-ડેમાં 46.6ની સરેરાશથી બે સદી અને 14 ફિફટીની મદદથી 1631 રન બનાવ્યા છે. તેના ઉપરાંત ટેસ્ટમાં તેણે 41.6ની સરેરાશથી 666 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના બેટમાંથી એક સદી અને પાંચ ફિફટી જોવા મળી છે.


Related News

Advertisement
Advertisement