નવી દિલ્હી: આજે વિશ્વ ટીબી દિવસ છે અને ‘ક્ષય’ તરીકે ઓળખાતા આ રોગથી દુનિયામાં કોરોના કાળ પુર્વે સૌથી વધુ મોત નોંધાતા હતા પરંતુ 2019 થી 2021 સુધીના કોરોનાના મૃત્યુના આંકડામાં ક્ષય રોગને પણ પાછળ રાખી દીધો હતો. જો કે ક્ષય કે ટીબી એ હવે ઉપચારથી દૂર કરી શકાય તેવી બિમારી છે.
છેલ્લા બે દશકામાં 6.60 કરોડથી વધુ લોકો ટીબીની બિમારી બાદ સ્વસ્થ થયા હતા. વિશ્વ આરોગ્ય સંગઠનના રીપોર્ટ મુજબ 2021માં વિશ્વ સ્તર પર ટીબીથી 16 લાખ લોકોના મોત થયા હતા જે 2020 કરતા 4.5% વધુ છે. કોવિડના કારણે લોકો હોસ્પીટલ જતા ડરતા હતા તેથી વિશ્વસ્તરે ટીબીના કેસ ઓછા નોંધાયા હતા અને ટીબીના ઉપચાર પાછળનો ખર્ચ 2021માં ઘટીને 5.2 બિલીયન ડોલર થયો હતો. જે અગાઉના વર્ષે 6 બિલિયન ડોલર હતો.
વિશ્વમાં 2030 સુધીમાં ટીબીને ખત્મ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટીબીની એક માત્ર લાયસન્સ પાત્ર રસી બીસીજી છે જે આપણે બચપનમાં આપવામાં આવે છે અને તે ફકત બાળકો પર જ પ્રભાવિત છે. દુનિયાભરમાં જે ટીબીના દર્દીઓ છે તેના 25% ભારતમાં છે. 2021માં ભારતમાં 25 લાખ લોકોને ટીબી નોંધાયો જેમાં પાંચ લાખના મોત થયા હતા. આજે પણ 17 લાખ લોકો દેશમાં ટીબી પિડિત છે.