નવીદિલ્હી, તા.24
જેમ જેમ વન-ડે વર્લ્ડકપ નજીક આવી રહ્યો છે તેમ તેમ વન-ડે ફોર્મેટમાં એક એકથી ચડિયાતા મુકાબલા જોવા મળી રહ્યા છે. આવી જ એક મેચ ઝીમ્બાબ્વે-નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી જેમાં ક્રિકેટરસિકોના શ્વાસ રીતસરના થંભી જવા પામ્યા હતા.
ઝીમ્બાબ્વે-નેધરલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીનો બીજો મુકાબલો હરારેમાં રમાયો હતો. આ મેચમાં મેજબાન ટીમ ઝીમ્બાબ્વેને અંતિમ ઓવરના અંતિમ બોલે માત્ર એક રને જીત મળી છે જેથી અંદાજ લગાવી શકાય કે આ મુકાબલો કેટલો રોમાંચક રહ્યો હશે. ઝીમ્બાબ્વેએ પહેલાં બેટિંગ કરતાં 271 રન બનાવ્યા હતા જેના જવાબમાં નેધરલેન્ડ 50 ઓવરમાં 270 રન જ બનાવી શક્યું હતું.
ઝીમ્બાબ્વેના સ્ટાર ઑલરાઉન્ડર વેસલી મધેવીરેએ નેધરલેન્ડ વિરુદ્ધ હેટ્રિક લીધી હતી. તે આવું કારનામું કરનારો ઝીમ્બાબ્વેનો ત્રીજો બોલર બન્યો છે. જ્યારે ટીમને વિકેટની જરૂર હતી ત્યારે વેસલીએ ટીમને આ હેટ્રિક અપાવી હતી. અહીંથી જ મેચે ટર્ન લેવાનું શરૂ કર્યું હતું. નેધરલેન્ડ ઈનિંગની 44મી ઓવરમાં વેસલીએ એકરમેન, નિધામરુનુ અને વૈન મીકરનને આઉટ કરીને કરિયરની પહેલી હેટ્રિક લીધી હતી.
મેચની અંતિમ ઓવરમાં નેધરલેન્ડને જીત માટે 19 રનની જરૂર હતી. આવામાં પહેલાં બોલે ચોગ્ગો આવ્યો જ્યારે બીજા બોલે બે રન તો ત્રીજા બોલે એક રન બન્યો હતો. હવે ટીમને જીત માટે ત્રણ બોલમાં 12 રનની જરૂર હતી. ચોથા બોલે મૂસા અહમદ ક્લાસેને દોડીને બે રન લીધા હતા તો ઓવરના પાંચમા બોલે તેણે શાનદાર છગ્ગો લગાવ્યો હતો.
આવામાં નેધરલેન્ડને જીત માટે અંતિમ બોલમાં ચાર રનની જરૂર હતી. મૂસા અહમદે ચતારા દ્વારા ફેંકાયેલા અંતિમ ફૂલટોસ બોલ પર જોરથી બેટ ઘુમાવ્યું જેના કારણે બોલ એકસ્ટ્રા કવર પર ગયો હતો. ત્યાંથી બે રન લેવા સંભવ હતા પરંતુ ત્રણ રન લેવા શક્ય લાગતા નહોતા. નેધરલેન્ડ ટીમના બેટરોએ ત્રણ રન લેવાની કોશિશ કરી પરંતુ રનઆઉટ થઈ જતાં ઝીમ્બાબ્વે માત્ર એક રને મુકાબલો જીત્યું હતું.