મામલો ઉકેલાયો ! એશિયા કપ પાકિસ્તાનમાં રમાશે: ટીમ ઈન્ડિયાના મુકાબલા અન્ય દેશોમાં થશે

24 March 2023 10:33 AM
India Sports
  • મામલો ઉકેલાયો ! એશિયા કપ પાકિસ્તાનમાં રમાશે: ટીમ ઈન્ડિયાના મુકાબલા અન્ય દેશોમાં થશે

ટીમ ઈન્ડિયા પોતાની મેચ યૂએઈ, શ્રીલંકા, ઓમાન અથવા તો ઈંગ્લેન્ડમાં રમશે: ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

નવીદિલ્હી, તા.24
એશિયા કપમાં ભાગીદારી લઈને ભારત-પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ઉકેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહેવાલો પ્રમાણે સપ્ટેમ્બરમાં રમાનારો એશિયા કપ પાકિસ્તાનમાં જ રમાશે પરંતુ ભારતના મુકાબલા પાકિસ્તાનમાં નહીં બલ્કે યૂએઈ, ઓમાન, શ્રીલંકા અથવા તો ઈંગ્લેન્ડમાં રમાશે. અન્ય દેશોમાં ભારત-પાકિસ્તાનના મુકાબલા સહિત પાંચ મેચ રમાશે.

ઈએસપીએન ક્રિક ઈન્ફોના અહેવાલ પ્રમાણે પ્રારંભીક ગતિરોધ બાદ બીસીસીઆઈ અને પીસીબી બન્ને આ વિવાદના ઉકેલની નજીક પહોંચી ગયા છે. પ્રસ્તાવ પ્રમાણે ભારત-પાકિસ્તાનની ટીમો એશિયા કપમાં એકબીજા વિરુદ્ધ મેચ પાકિસ્તાનથી બહાર રમી શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સીલે આ વખતે એશિયા કપની મેજબાની પાકિસ્તાનને સોંપી છે પરંતુ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈનકાર કરી દીધો હતો જે પછી ટૂર્નામેન્ટના આયોજનને લઈને વિવાદની સ્થિતિ પ્રવર્તી ગઈ છે.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એશિયા કપની યજમાનીને લઈને ચાલી રહેલી ટક્કર હવે પૂર્ણતાના આરે છે. ભારતની મેચ પાકિસ્તાનથી બહાર કરાવવાના પ્રસ્તાવ પર એશિયન ક્રિકેટ કાઉન્સીલના તમામ સભ્યોએ સૈદ્ધાંતિક રીતે સહમતિ આપી દીધી છે. પાછલા સપ્તાહે આઈસીસી બોર્ડ મિટિંગમાં પણ આ વાતને લઈને સહમતિ સધાઈ હતી. જો કે અંતિમ નિર્ણય હવે જાહેર કરવામાં આવશે. સમાધાન કાઢવા માટે એક વર્કિંગ ગ્રુપ બનાવાયું છે જે તમામ ટીમની સહમતિને ધ્યાનમાં રાખી ટ્રાવેલ પ્લાન અને લોજિસ્ટિક્સની વ્યવસ્થાને જોશે.

ભારત-પાકિસ્તાનની ટીમ છ દેશોના એશિયા કપની ટૂર્નામેન્ટમાં ક્વોલિફાયર ટીમ સાથે એક જ ગ્રુપમાં છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપનો હિસ્સો છે. એશિયા કપમાં 13 દિવસની અંદર ફાઈનલ સહિત કુલ 13 મેચ રમાશે. 2022 એશિયા કપના ફોર્મેટ પ્રમાણે દરેક ગ્રુપની ટોચની બે ટીમો વચ્ચે ફાઈનલ રમાય છે. આવામાં ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં ત્રણ વખત ટક્કર થવાની શક્યતા છે.


Related News

Advertisement
Advertisement