IPL પહેલાં જ ચાર ભારતીય સહિત 10 ખેલાડીઓ થઈ ગયા ‘આઉટ’

24 March 2023 10:37 AM
India Sports
  • IPL પહેલાં જ ચાર ભારતીય સહિત 10 ખેલાડીઓ થઈ ગયા ‘આઉટ’

પંત, બુમરાહ, કૃષ્ણા ઉપરાંત અય્યરનું રમવું શંકાસ્પદ: ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડના 6 ખેલાડીઓ પણ નહીં રમે

નવીદિલ્હી, તા.24
આઈપીએલ શરૂ થવાને આડે હવે એક સપ્તાહ બાકી રહ્યું છે. જો કે તેના પહેલાં ટૂર્નામેન્ટમાંથી દસ જેટલા ખેલાડીઓ બહાર થઈ ચૂક્યા છે. આ દસમાંથી કદાચ એકાદ ખેલાડી અડધી ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ રમી શકે છે.

આઈપીએલની અલગ-અલગ ટીમોના 10 ખેલાડી બહાર થયા છે જેમના કારણ અલગ-અલગ છે. આમ તો મોટાભાગના ખેલાડીઓ ઈજાને કારણે બહાર થયા છે. આ ખેલાડીઓમાં ચાર ભારતીય પણ છે જેમાં સૌથી પહેલું નામ ઋષભ પંતનું આવે છે જે ડિસેમ્બર-2022ના અંતમાં કાર દૂર્ઘટના બાદ અત્યાર સુધી પોતાના પગ ઉપર ઉભો રહી શકતો નથી.

આ ઉપરાંત જસપ્રીત બુમરાહ કમરની ઈજાને કારણે બહાર થઈ ગયો છે તો પ્રસિદ્ધ કૃષ્ણા પણ ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયો છે. જ્યારે ચોથો ભારતીય શ્રેયસ અય્યર છે જેના રમવાને લઈને હજુ નિર્ણય લેવાયો નથી.

જ્યારે અન્ય ખેલાડીઓમાં ઑસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડી છે જેમાં પેટ કમીન્સ, સ્ટિવ સ્મિથે ટૂર્નામેન્ટ નહીં રમવાનો નિર્ણય લીધો છે તો ઝાય રિચર્ડસન ઈજાને કારણે રમી શકશે નહીં. ઈંગ્લેન્ડના બે ખેલાડી આ વર્ષે ટૂર્નામેન્ટ નહીં રમે જેમાં વિલ જેક્સ અને જોની બેરિસ્ટો સામેલ છે તો ન્યુઝીલેન્ડનો કાઈલ જેમીસન પણ ઈજાને કારણે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે.

આટલા ખેલાડીઓ થઈ ચૂક્યા બહાર...
► ઋષભ પંત
► જસપ્રીત બુમરાહ
► પ્રસિદ્ધ કૃષ્ણા
► શ્રેયસ અય્યર (રમવું શંકાસ્પદ)
► ઝાય રિચર્ડસન
► વિલ જેક્સ, કાઈલ જૈમીસન
► જૉની બેરિસ્ટો
► પેટ કમીન્સ
► સ્ટિવ સ્મિથ


Related News

Advertisement
Advertisement