► કાનૂની સાથે રાજકીય લડાઈ પણ છેડવા તૈયારી: વિપક્ષો સાથે સંયુક્ત બેઠક
નવી દિલ્હી: કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી-અટક વિવાદમાં ગઈકાલે સુરત અદાલતે બે વર્ષની જેલ સજા ફટકારતા હવે કોંગ્રેસ પક્ષે કાનૂની સાથે રાજકીય જંગ પણ શરુ કર્યો છે અને સંસદમાં સરકારને નિશાન બનાવવા માટે વિપક્ષોની એક સંયુક્ત બેઠક બોલાવી છે
તો પક્ષ આજે રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુની મુલાકાત લઈને સરકાર વિરોધી આવેદન સોપશે. કોંગ્રેસ પક્ષે હવે સડકો પર આ મુદો લઈ જવાની કોશીશ કરે છે તથા દિલ્હીમાં વિજય ચોક ખાતે પણ પ્રદર્શન કરશે અને તેઓ દેશવ્યાપી જનઆંદોલન પણ શરૂ કરશે. કોંગ્રેસ પક્ષ ફકત કાનૂની જ નહી રાજકીય રીતે પણ હવે લડાઈ આપવાની તૈયારીમાં છે.
ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેના નિવાસે પક્ષની બેઠક મળી હતી અને હવે સંસદથી સડક સુધી પક્ષ આ મુદો ગજવશે અને આજે વિપક્ષોની સાથે એક સંયુક્ત બેઠક યોજી છે. જેમાં સંસદની રણનીતિ નિશ્ર્ચિત કરશે. ખાસ કરીને સરકારે બજેટ મંજુર કરાવવાનું છે તેના પર હવે ફોકસ કરશે.