નવી દિલ્હી તા.24 : સુરક્ષા દળ અને કાનૂન પ્રવર્તન એજન્સીઓ હવે આંખના પલકારામાં કરી શકશે નશીલા પદાર્થોની ઓળખ નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ) એ નશીલા પદાર્થોના પરીક્ષણ માટે એક ડિઝીટલ ટેસ્ટીંગ કીટ તૈયાર કરી છે.
જેના માધ્યમથી સિંથેટીક ડ્રગ સહિત વિભિન્ન પ્રકારના નશીલા પદાર્થોની ઓળખ સંભવ થશે. ડિઝીટલ કીટમાં નશીલા પદાર્થોનો પુરો ડેટા હશે. ટુંક સમયમાં તેને સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવી શકે છે. આ પ્રકારની કિટનો ઈઝરાયેલ સહિત અનેક દેશોમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પહેલા અન્ય અનેક એજન્સીઓએ પણ કિટ તૈયાર કરી છે પરંતુ એજન્સીઓ હજુ પરંપરાગત રીતે જ નશીલા પદાર્થોની ઓળખ કરે છે. જે અંતર્ગત નશીલા પદાર્થો પકડાવા પર સેમ્પલ સાથે મેળવણી કરવામાં આવે છે.
આંખના પલકામાં નશીલા પદાર્થોની થાય છે ઓળખ:
આ પહેલા બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બીપીઆરડીના સહયોગથી વધુ પણ ડિવાઈસ તૈયાર કરાયા છે. જેનાથી પોલીસ અને એનસીબીને મદદ મળી શકે છે. ટ્રુ નારકો પણ આ પ્રકારનું ડિવાઈસ છે, જે કેટલાક મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યું છે. આ ટેબ જેવું દેખાતું ડિવાઈસ છે. તેના પર એક કિનારે એક નાનુ સેન્સર લગાવેલું છે. જેને સ્પર્શતા જ એ ખબર પડી જાય છે કે કેમીકલ જેવો દેખાતો પદાર્થ નાર્કોટિકસ ડ્રગ છે કે નહીં.
પ્રસ્તાવિટ કીટમાં હશે ડેટા:
નવી ડિઝીટલ કિટમાં 500થી વધુ નશીલા પદાર્થોનો ડેટા મોજૂદ હોઈ શકે છે. તેને પ્રિન્ટરમાં જોડીને પણ રિયલ ટાઈમમાં ટેસ્ટ રિઝલ્ટ કાઢી શકાય છે. હાલ કોઈપણ પાર્ટીમાં દરોડા દરમિયાન પોલીસ અને એનસીબી જેવી એજન્સીઓ ટેસ્ટ કિટ લઈને ચાલે છે અને ત્યાં મળેલા માદક પદાર્થ સાથે મેચ કરે છે. પરંપરાગત કિટ ઘણી જૂની ટેકનીક છે અને વારંવાર તે કિટ ખરીદવી પડે છે જયારે નવી ટેકનીકમાં આવું નથી.
સીધા સંપર્કની જરૂર નહીં:
નવા સાધનમાં પોલીસે નશીલા પદાર્થના સીધા સંપર્કમાં આવવાની જરૂર નહી પડે. બોટલ કે કોઈ બેગ વગેરેમાં રાખેલ નશીલા પદાર્થની તપાસ થઈ શકે છે.