રાજકોટ તા.24 : હરીદ્વારથી સપ્તાહ સાંભળી પરત ફરી રહેલા ભાણવડના ભાવિકોની બસ અમદાવાદ હાઈવે પર આશિર્વાદ હોટલ પાસે વોલ્ટ કર્યો ત્યારે ભાણવડના વૃદ્ધ રોડ પર ચકકર લગાવા ગયા ને પુરપાટ ઝડપે આવેલ ખાનગી બસે હડફેટે લેતા માથામાં ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નિપજતા સાથેના ભાવિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, ભાણવડથી ગઈ તા.12ના હરીદ્વાર ખાતે ચાલતી સપ્તાહમાં ભાગ લેવા માટે ભાવિકોની એક બસ ભરાઈને હરીદ્વાર પહોંચી હતી.
જયાંથી સપ્તાહ પુરી થયા બાદ ભાવિકોને લઈ બસ ભાણવડ પરત ફરી હતી ત્યારે આજે વ્હેલી સવારે બસ અમદાવાદ હાઈવે પર આશિર્વાદ હોટલે હોલ્ટ માટે ઉભી હતી. ત્યારે તેમાં સવાર ભગવાનજીભાઈ નારણભાઈ મધુડીયા (ઉ.વ.70) (રહે. રણજીતપરા, ભાણવડ) બસમાંથી ઉતરી હાઈવે પર ચકકર લગાવતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલ સદગુરૂ ટ્રાવેલ્સની બસ નં. જી.જે.03 બીવી 3700ના ચાલકે હડફેટે લેતા માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજયું હતું.
સાથે રહેલ ભાવિકોએ 108ને જાણ કરતાં દોડી આવેલ 108ના સ્ટાફે વૃદ્ધને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડી અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મૃતક ચાર ભાઈ-બહેનમાં મોટા અને સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.