(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા)ધોરાજી તા.24 : ધોરાજીમાં પીવાના પાણી સહિતની પાયાની સુવિધા લોકોને પૂરી પાડવામાં નિષ્ફળ જનાર નગરપાલિકા સામે ઉઠેલી થોકબંધ ફરિયાદોના પગલે રીજીયોનલ કમિશ્ર્નર ધીમંત વ્યાસે તાબડતોબ ધોરાજી દોડી આવી નગરપાલિકાનું સરપ્રાઈઝ ચેકીંગ કયુર્ં હતું. તેમજ કર્મચારીઓનો ઉધડો લીધો હતો.
અહીં એ ઉલ્લેખનીય કે ધોરાજી પાલિકામાં કોંગ્રેસનું શાસન પૂર્ણ થયા બાદ વહીવટદારનું શાસન લાગુ પડી જવા પામેલ છે. જે બાદ પાલિકાના સતત કથળતા વહીવટના પગલે અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થયા છે. જેમાં પીવાના પાણીની સમસ્યાને લઈ રોજબરોજ મહિલાઓ પાલિકા કચેરી પર ઉમટી પડી હલ્લાબોલ કરી રહી છે પરંતુ પાલિકાતંત્ર આ સમસ્યા હલ કરવાના બદલે બેદરકારી દાખવી રહ્યું છે. ધોરાજીને પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં ખૂટે નહીં તેટલો પાણી પુરવઠો ઉપલબ્ધ છે
પરંતુ અણધડ વ્યવસ્થાને પગલે નગરજનોને પાણી નિયમીત રીતે મળી શકતું નથી આ ઉપરાંત સાફ સફાઈ પણ નિયમીત રીતે થતી ન હોય અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજો ખડકાયા છે. આ સહિતના પ્રશ્ર્નોને લઈ વિવિધ વોર્ડની મહિલાઓ લાલઘૂમ થઈને નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો તેમ છતા સમસ્યા હજુ યથાવત રહેવા પામી છે.
આ અંગે 'સાંજ સમાચાર'માં સમસ્યાઓને લઈને અહેવાલ પ્રસિધ્ધ થતા અને લોકોનો રોષ જોઈને રાજકોટ જીલ્લા રીજીયોનલ કમિશ્ર્નર ધીમંત વ્યાસ ગઈકાલે ધોરાજી નગરપાલિકા કચેરીએ સરપ્રાઈઝ ચેકીંગ કરવા માટે દોડી આવ્યા હતા. અને તંત્રના જવાબદારો તથા કર્મચારીઓને ઉધડા લઈ સ્પષ્ટ સુચનાઓ અપાઈ હતી અને આગામી દિવસોમાં લોકોની તમામ સમસ્યાઓ તાત્કાલિક દુર કરવામાં આવે તેવું જણાવેલ હતું. હવે; રીજીયોનલ કમિશ્ર્નરની સુચનાઓનું તાત્કાલિક પાલન થાય છે કે નહીં? તે તો આવનારો સમય જ બતાવશે.