(નરેશ ચોહલીયા) જસદણ તા.24 : જસદણ-આટકોટ ફોરલેન રોડ પર આવેલ સોલીટેર સોસાયટી નજીક સવારના સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરી રહેલા બે ગદર્ભને અડફેટે લેતા બન્ને ગદર્ભ ફૂટબોલની માફક રોડ પર ફંગોળાઈ ગયા હતા
અને બન્ને ગદર્ભના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જો કે આ અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી જતા જીવદયા પ્રેમીઓમાં અને આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે બેઘડી વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.
જોકે રોડની વચ્ચે પડેલા બન્ને મૃત ગદર્ભને અમુક કલાકો બાદ રોડ પરથી ખસેડી દેવામાં આવતા વાહનવ્યવહાર રાબેતા મુજબ થવા લાગ્યો હતો. આ તકે જીવદયા પ્રેમીઓએ આ બન્ને ગદર્ભને મોતને ઘાટ ઉતારનારા અજાણ્યા વાહનચાલકને પકડી પાડી જસદણ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.