(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામ પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચ ચાલુ હતી ત્યારે ત્યાં ક્રિકેટ રમવા માટે આવેલ હળવદ તાલુકાના મયાપુર ગામનો રહેવાસી અને હાલમાં હળવદના સ્વામી નારાયણનગરમાં રહેતા યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો ત્યારબાદ તેને ઉલટી થતા સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેની ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામ પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમવા માટે હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ મયાપુર ગામના મૂળ રહેવાસી અને હાલમાં હળવદના સ્વામી નારાયણનગરમાં રહેતો અને હળવદમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા અશોક ભલજીભાઈ કંઝારીયા (32) નામનો યુવાન આવ્યો હતો દરમિયાન ત્યાં અશોક કંઝારીયાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ગભરામણ થવા લાગી હતી ત્યારબાદ તેને ઉલટી થઈ હતી જેથી તાત્કાલિક તે યુવાનને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં અશોક કંઝારીયાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું
જેથી આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે. અત્રે ઉલેખનીય છે કે, 31 મી સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની હતી તેની તૈયારી માટે મોરબી જિલ્લા પંચાયતના કર્મચારી અશોકભાઈ કણઝારીયા (ગ્રામ સેવક)ને હાર્ટ અટેક આવવાના કારણે તેનું મોત નીપજયું છે
અને છેલ્લા દિવસોમાં વિવિધ શહેરોમાં આવા કિસ્સાઓ ધ્યાનમાં આવેલ છે. તેથી હાલ તા.26/03 થી તા.31 ના રોજ યોજાનાર 31 મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કર્મચારીઓના જાહેર હિતાર્થે તથા સ્વાસ્થ્ય માટે મુલત્વી રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટ હવે સંભવિત તા.10/04 થી તા.15/04 દરમ્યાન યોજાશે.
અકસ્માતમાં ઇજા
મોરબીના વાઘપરથી જેતપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા પુલ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં રાહુલ સુભાષભાઈ સોમાણી (18) રહે. ગાળા ગામ વાળાને ઇજા થતાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
મહિલા સારવારમાં
મોરબી નજીકના પાનેલી ગામે નવાપરા વિસ્તારમાં રહેતી સંગીતાબેન વિનોદભાઈ ચાવડા (35) નામની મહિલા કોઈ કારણોસર પોતાના ઘરે હતી ત્યારે ટાઇલ્સ ક્લીનર પી જતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા. બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનુભાઈ ગામેથી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.