(વિપુલ હિરાણી) ભાવનગર, તા.24 : દમણથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ભરીને આવી રહેલા ટોરસ ટ્રકને એલ.સી.બી.એ ભાવનગરના આખલોલ જકાતનાકા પાસેથી ઝડપી રૂ.9.84 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. ઇંગ્લિશ દારૂ અને બીયરનો આ જથ્થો તળાજા તાલુકાના ધારડી ગામના વતની અને હાલ ભાવનગરમાં રહેતા શખ્સે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. એલ.સી.બી. અને પેટ્રોલ ફર્લો સ્ક્વોડ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન શહેરના જકાતનાકા પાસે બાતમી રાહે હકીકત મળી હતી કે,
મહુવાના અમૃતવેલ ગામમાં રહેતો રૂપાભાઈ ગેલાભાઈ ગમારા પોતાનો અશોક લેલેન્ડ ટોરસ ટ્રકમાં પ્લાસ્ટિકની થેલીઓની આડમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરી દમણથી આવી રહ્યો છે. જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે વોચમાં રહી બાતમી વાળો ટોરસ ટ્રક નં. જી.જે.01 - ડી.ટી. 9700 પસાર થતા તેને અટકાવી ટ્રકની તલાશી લેતા પ્લાસ્ટિકની થેલીઓની નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 18 પેટી કિં. રૂ. 71,280 તથા બિયરના ટીનની 47 પેટીઓ કિ. રૂ. 1,12,800 મળી આવી હતી.
એલ.સી.બી.એ વિદેશી દારૂ, બિયરની પેટીઓ,અશોક લેલેન્ડ ટ્રક મળી કુલ રૂ. 9,84,080 ના મુદ્દામાલ સાથે રૂપા ઘેલાભાઈ ગમારા રહે. અમૃતવેલ તા.મહુવા ને ઝડપી લઇ તેની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો હરપાલસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ રહે.મુળ ધારડી, તા.તળાજા, હાલ ટોપથી સર્કલ પાસે ભાવનગરએ દમણથી મંગાવ્યો હોવાનું જણાવતા એલ.સી.બી. એ બંને ઈસમો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.