◙ જો લોકોના મગજમાંથી લડાઈ-ઝઘડાની સ્મૃતિ હટાવવામાં આવે તો તે લડશે નહિં: બાબા
કાનપુર તા.24
આજકાલ ટીવી ચેનલોમાં બાબાઓ હોટ ફેવરીટ બનવા લાગ્યા છે. બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ અલૌકીક શકિતનાં દાવા કર્યા બાદ હવે કાનપુરનાં કરૌલી બાબા પણ પોતાની અલૌકીક શકિતથી અસાધ્ય બિમારી મટાડવાના દાવ કરવા લાગ્યા છે. આ બાબાના દાવાને પડકારતા એક ડોકટરની બાબાનાં બાઉન્સરે ધોલાઈ કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ હવે આ બાબાએ એવો દાવો કર્યો હતો કે, જો પુતિન અને ઝેલેન્સ્કીને મારા દરબારમાં લાવો તો રશીયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ બંધ કરાવરી દઉં!
એક ન્યુઝ ચેનલનાં રિપોર્ટનાં સવાલ પર કરૌલી બાબા ઉર્ફે સંતોષ ભદૌરીયાએ કહ્યું હતું કે રોજ અમે આવુ કરીએ છીએ.જો લોકોનાં મગજમાંથી લડાઈ-ઝઘડાની સ્મૃતિ હટાવવામાં આવે તો તે લડશે જ નહિં જો હું આ કામમાં (પુતિન-ઝેલેન્સ્કીને લડતા રોકવામાં) નિષ્ફળ જાઉ તો જે સજા થાય તે મને આપવામાં આવે બસ મને એકવાર આ રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, બાબાનાં ચમત્કારોને લઈને સોશ્યલ મીડિયામાં લોકો દાવો કરે છે કે તેમને તેમના દરબારમા કોઈ લાભ નથી થતો જયારે અન્ય લોકો કહે છે એમને તત્કાલ લાભ થયો.