દેશમાં પ્રથમ ડબલ ડેકર એલિવેટેડ કોરિડોર જમશેદપુરમાં બનશે

24 March 2023 12:17 PM
India
  • દેશમાં પ્રથમ ડબલ ડેકર એલિવેટેડ કોરિડોર જમશેદપુરમાં બનશે

♦ રાંચી-જમશેદપુરની સફર ઝડપી અને સરળ બનશે:ગડકરી

♦ જમશેદપુરમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે ડબલ ડેકર એલિવેટેડ કોરિડોર સહિત અનેક પ્રોજેકટનાં શિલાન્યાસ અને લોકાર્પણ

જમશેદપુર, તા.24
જમશેદપુરને પ્રથમ ડબલ ડેકર એલિવેટેડ કોરીડોર સહિત અનેક પ્રોજેકટસની ભેટ ગઈકાલે મળી હતી. અહીં ગોપાલ મેદાનમાં કેન્દ્રીય પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ આ પ્રોજેકટનાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા.

3843 કરોડના ખર્ચનાં આ પ્રોજેકટસમાં હાઈવેનાં 220 કિલોમીટર રસ્તાને સામેલ કરવામાં આવ્યા છે. ગડકરીએ જણાવ્યું હતું કે દેશના પ્રથમ ડબલ ડેકર એલિવેટેડ કોરીડોરથી જમશેદપુર દેશમાં ફરી છવાઈ જશે. ડબલ ડેકર બનવાથી જમશેદપુરની ખૂબસૂરતી પણ વધશે રોજગાર પણ વધશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઝારખંડનું દેશનાં વિકાસમાં મોટુ યોગદાન છે.અહીથી આખા દેશને કોલસો મળે છે. આ સ્થિતિમાં એ જરૂરી છે કે ક્ષેત્રનાં યુવાનોને રોજગાર મળે તેની સાથે જ ઉદ્યોગ ધંધા સ્થાપિત થશે અને મૂડી આવશે. ત્યારે ગરીબી દૂર થશે. ઉદ્યોગોને લાવવા માટે વોટર, પાવર, રોડ અને કોમ્યુનિકેશન જરૂરી છે.ઝારખંડમાં પહેલા 200 થી 250 કિલોમીટર નેશનલ હાઈવે હતા જે હવે વધીને 4000 કિલોમીટર થયા છે.

રાંચી-જમશેદપુર સફર સરળ થશે
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે તે જયારે જમશેદપુર આવતા હતા ત્યારે દર વખતે રાંચી-જમશેદપુર રોડની વાત સામે આવતી હતી. આ રસ્તાના નિર્માણમાં એટલા વિઘ્નો આવ્યા હતા કે તેના પર પુસ્તક લખી શકાય હવે આ રસ્તો બની ચૂકયો છે. હવે લોકો ઓછા સમયમાં આરામથી જમશેદપુર પહોંચી રહ્યા છે.

ડબલ ડેકર એલિવેટેડ કોરીડોર બની જવાથી રાંચીથી જમશેદપુર પહોંચવુ સરળ થઈ જશે. રાંચી-વારાણસી-ઈકોનોમીક કોરીડોર પર 7000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.


Related News

Advertisement
Advertisement