બોટાદ તા.24: બોટાદ શહેરમાં ગઈ તા.19/9/2018ના રોજ ગઢડા રોડ ખાતે સાંજના છ વાગ્યે હરિદર્શન કોમ્પ્લેક્ષ પાસે મરણજનાર માત્રાભાઈ ગભરૂભાઈ મોરી જઈ રહ્યા હતા. ત્યારે કૃષ્ણપાલસિંહ ઉર્ફે કાનો સહદેવસિંહ ગોહિલ અને તેનો ભાઈ મહેન્દ્રસિંહ ગોહિલ રસ્તામાં મળેલ.
આ બાબતે મરણજનાર સાથે અગાઉ છોકરીની છેડતી બાબત મનદુ:ખ હોય તે બાબત ધ્યાને રાખી મરણજનાર માત્રાભાઈ ગભરૂભાઈ મોરીને કૃષ્ણપાલસિંહ ગોહિલે છરીના આડેધડ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડેલ અને મહેન્દ્રસિંહે ગડદા પાટુનો માર મારેલ અને મરણજનારને ફરીયાદી સોનાવાલા હોસ્પિટલમાં લઈ ગયેલ જયાં ઈજા પામનાર મરણ પામેલ
તે અંગેની ફરીયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં મરણજનાર ના સગા ધનજીભાઈ વેરશીભાઈ ત્રમટાએ આપેલ આ કામમાં બોટાદ પોલીસ સ્ટેશન તરફથી નામદાર કોર્ટમાં બન્ને આરોપીઓ સામે પુરતો પુરાવો હોય આ અંગેનું ચાર્જશીટ તપાસ કરનાર પોલીસ અધિકારીએ નામદાર કોર્ટમાં રજુ કરેલ. આ કામમાં સરકાર પક્ષે કુલ 23 સાક્ષીઓની જુબાનીઓ નોંધવામાં આવેલ તેમજ કુલ 38 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને આરોપી કૃષ્ણપાલસિંહ ઉર્ફે કાનો સહદેવસિંહ ગોહિલ તેમજ મહેન્દ્રસિંહ ગોહિલ વિરુધ્ધ ગુન્હો સાબીત થયેલ
તેમજ આ કામમાં જીલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલો તથા રજુઆતો ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કુમારી કે.આર. પ્રજાપતિએ આઈપીસી કલમ 302ના ગુન્હામાં કસુરવાન ઠરાવી આરોપી કૃષ્ણપાલસિંહ ઉર્ફે કાનો સહદેવસિંહ ગોહિલને આજીવન કેદની સજા તથા રૂા.5000નો દંડ કરેલ છે અને દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા તેમજ આરોપી મહેન્દ્રસિંહ ગોહિલને આઈપીસી કલમ 323ના ગુન્હામાં કસુરવાન ઠરાવી એક વર્ષની સજા તતા રૂા.25000નો દંડ કરેલ છે અને દંડ ન ભરે તો વધુ ચાર માસની સજાનો હુકમ ફરમાવેલ છે.