રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝુલેલાલ જયંતીની ભવ્ય ઉજવણી : ઠેર ઠેર શોભાયાત્રા યોજાઇ

24 March 2023 12:25 PM
Rajkot Dharmik Saurashtra
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝુલેલાલ જયંતીની ભવ્ય ઉજવણી : ઠેર ઠેર શોભાયાત્રા યોજાઇ
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝુલેલાલ જયંતીની ભવ્ય ઉજવણી : ઠેર ઠેર શોભાયાત્રા યોજાઇ

રાજકોટ, કેશોદ, ભાવનગર, પ્રભાસપાટણ, ઓખા, જુનાગઢ સહિતના શહેરો-ગામોમાં પ્રભાત ફેરી, મહાઆરતી, પૂજન-અર્ચન, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં સિંધી સમાજે ઉમંગભેર ભાગ લીધો : આયોલાલ ઝુલેલાલનો ગગનભેદી નાદ ગુંજી ઉઠયો

રાજકોટ, તા.24 : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ઝુલેલાલ જન્મ મહોત્સવ-ચેટીચંડની અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર પ્રભાતફેરી, શોભાયાત્રા, મહાઆરતી, પૂજન અર્ચન, મહાપ્રસાદ સહિતના આયોજનો થયા હતા.

રાજકોટ
રાજકોટમાં હરમંદિર, સિંધી કોલોનીમાં આવેલ શ્રી ઝુલેલાલ મંદિર સહિત અન્ય સ્થાનો પર શ્રી ઝુલેલાલ જયંતીની ઉમંગ સાથે ઉજવણી કરાઇ હતી. શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના આયોજનો કરાયા હતા.

કેશોદ
કેશોદ શહેરમાં ચેટીચાંદ તહેવાર પ્રસંગે કેશોદ સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને શહેરની બજારમાં વાજતે ગાજતે ડી.જે.ના સથવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને તેમાં સિંધી સમાજના મોટી સંખ્યામાં લોકો પોત પોતાની દુકાનો બપોર બાદ બંધ રાખી ભવ્ય રીતે ચેટીચાંદની ઉજવણી કરેલ હતી તેમ જેન્તીભાઇ આહરાએ જણાવ્યું હતું.

જુનાગઢ
ચેટીચંડ એટલે સિંધી સમાજનું નુતન વર્ષ ગણાય છે. ચેટીચંડની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં પૂજન અર્ચન, સમુહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સૌરાષ્ટ્રભરના બહીરાણા મંડળીઓની આકર્ષક ફલોટસ સાથે શોભાયાત્રા નીકળી હતી. જેમાં આયોલાલ ઝુલેલાલના નારાથી શહેરના રોડ ગુંજી ઉઠયા હતા.

ચૈત્રી સુદ બીજ એટલે સિંધી સમાજનું નુતન વર્ષ તરીકે ઉજવાય છે. નુતન વર્ષ નિમિતે ઝુલેલાલ વાડી, આદર્શનગર, ગાંધીગ્રામ અને સુખનાથ ચોકમાં આવેલા મંદિરોમાં પૂજન અર્ચનનો ગઇકાલે કાર્યક્રમ યોજાયો હતો. બપોરના 1ર કલાકે ભંડારો (મહાપ્રસાદ-ભોજન) યોજાયો હતો. સાંજે સિંધી ગીત, સંગીત, મ્યુઝીકલ કાર્યક્રમ પણ યોજાયો હતો. આજે શુક્રવારના બપોરના 3 કલાકે જુનાગઢ રેલવે સ્ટેશનથી સૌરાષ્ટ્રભરની બહીરાણા મંડળીઓની શોભાયાત્રામાં કેશોદ, માળીયા, જેતપુર, ધારી, અમરેલી, ઉપલેટા, રાણાવાવ, પોરબંદર,

ગોંડલ, રાજકોટ, જામનગર, જુનાગઢ સહિતના શહેરોની મંડળીઓ આકર્ષક ફલોટસ સાથે જોડાઇને સુખનાથ ચોક, સંઘોડીયા બજાર, સર્કલ ચોક, દિવાન ચોક, માલીવાડા, પંચહાટી, આઝાદ ચોક, એમ.જી.રોડ, કાળવા ચોક, જવાહર રોડ થઇને દામોદરજી કુંડ સાંજે પહોંચેશે જયાં ઝુલેલાલ સાહેબની જયોત પધરાવવામાં આવશે. બાદ આજે રાત્રીના જુનાગઢ ઝુલેલાલ ટ્રસ્ટ દ્વારા રાત્રીના 9 કલાકે સિંધી મ્યુઝીકલ પાર્ટીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. ત્યારબાદ શોભાયાત્રામાં જોડાયેલી ઝાંખીઓને પસંદગી મુજબ પુરસ્કાર પણ અપાશે.

પ્રભાસપાટણ
પ્રભાસ પાટણમાં ચેટીચાદના પ્રવિત્ર તહેવાર નિમિત્તે સિન્ધી સમાજ ના દરેક લોકો એ પોતાના કામધંધા બંધ રાખીને શોભાયાત્રા મા જોડાયા હતા વહેલી સવારે ઝુલેલાલ ને દુધ થી નવડાવેલ તેમજ ભજન કિર્તન બપોર ના ભોજન અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ જેમાં દાંડીયા ની રમઝટ સાથે આયોલાલ ઝુલેલાલ જયધોસ કરવામાં આવેલ

આ શોભાયાત્રા ચોગાન ચોકથી પ્રસ્થાન થય દરજીવાડા, રામમંદિર, ભોયવાડા,લાબીશેરી થઇ અને સોમનાથ મંદિર થી દરીયા કિનારે મહાઆરતી કરવામાં આવેલ અને શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવેલ શોભાયાત્રાના રૂટમાં ઠેક ઠેકાણે ચા નાસ્તો ઠંડા પીણા સહિત ના સ્ટોલ રાખવામાં આવેલ જુદા જુદા સમાજો દ્વારા શોભાયાત્રા નુ સ્વાગત કરવામાં આવેલ આ શોભાયાત્રા મા સિન્ધી સમાજ ના તમામ આગેવાનોએ હાજરી આપી હતી તેમ દેવાભાઇ રાઠોડે જણાવેલ છે.

ઓખા
ઓખા મીઠાપુર સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઓખાના દરિયા કિનારા પર આવેલ ઝુલેલાલ મંદિરથી ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી. ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઇઓ બહેનો જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સિંધી સમાજ દ્વારા સમુહ નાતનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ રાજેશ છાંટબારે જણાવેલ છે.

ચોરવાડ
ચોરવાડ ખાતે ઝુલેલાલ જન્મ જયંતિ (ચેટીચાંદ)ની સિંધી ભાઇઓ દ્વારા હર્ષભેર ઉજવણી કરવામાં આવેલ. આ ધાર્મિક પ્રસંગે શ્રી ઝુલેલાલ મંદિરમાં સવારે ધ્વજારોહણ, જયોત પ્રાગટય, સત્સંગ કીર્તન તથા બપોેર સમુહ પ્રસાદ (ભંડારો) ત્યારબાદ મંદિરેથી શોભાયાત્રા ચોરવાડ નગરના વિવિધ માર્ગો પર નીકળેલ, માર્ગો પર ઠંડા પીણા, ચા પાણી, આઇસ્ક્રીમના સ્ટોલ દ્વારા વિતરણ કરવામાં આવેલ. શોભાયાત્રામાં સિંધી ભાઇઓએ દાંડીયા રાસની રમઝટ બોલાવેલ તથા આતશબાજી કરેલ.

આ ધાર્મિક પ્રસંગે કોળી સમાજના આગેવાનો પટેલ લખમણભાઇ વશરામભાઇ ડાભી, કરશનભાઇ ચુડાસમા, મંથનભાઇ ડાભી, દિલીપભાઇ શાહ, બાબુભાઇ વાઢેર, ઉષાકાંતભાઇ દામાણી વગેરે આગેવાનો એ મંદિરે હાજરી આપી દર્શનનો લાભ લીધેલ. શોભાયાત્રા ઝુડ ભવાની માતાજી મંદિર થઇ દરિયા કિનારે હોળીમાં જયોત પધરાવી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવેલ

જયોત વિસર્જનમાં બહોળી સંખ્યામાં ખારવા સમાજ જોડાયેલ ચોરવાડ ઝુલેલાલ મંદિરમાં છેલ્લા ત્રણ માસથી રાત્રે 8 થી 9 1 કલાક ધુન ચાલે છે અને ચાલુ રહેશે. ધાર્મિક પ્રસંગને દિપાવવા સીંધી ભાઇઓએ સવારથી જ પોતાના વેપાર ધંધા બંધ રાખેલ કાર્યક્રમને સફળ બનાવવા રામચંદ્રભાઇ ક્રિપલાણી, મુરલીધરભાઇ જીવનાણી, હોતચંદભાઇ સતાણી, કિશનભાઇ ખટ્ટર, મનોજભાઇ અગરજા, મનોજભાઇ ગુનિયાણી, હેમતભાઇ, લક્ષ્મણદાસ કટારીયા તથા આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.


Related News

Advertisement
Advertisement