રાજકોટ તા.24 : કચ્છના હમીરપર ગામે ખેલાયેલ ખુની ખેલમાં પાંચ વ્યકિતઓની હત્યાના ગુન્હામાં બનાવ સ્થળેથી 25 કિલોમીટર દુર હોવા છતા ક્ષત્રિય પિતા-પુત્રને બનાવ સ્થળે હથિયારો સાથે હાજર દેખાડી અને આરેપીની નિર્દોષતા છતી કરતા સીસીટીવી ફુટેજ તથા કોલ ડીટેઈલની તપાસ ન કરતા આરોપી સિધ્ધરાજસિંહ ભગુભા વાઘેલાએ કચ્છની સેશન્સ અદાલતમાં પોલીસ વિરૂધ્ધ ખોટી તપાસ કરવાના ગંભીર આક્ષેપો કરી કરાયેલ અરજીના કામે પોલીસને જરૂરી પુરાવા ભેગા કરી 3 મહિનામાં રીપોર્ટ કરવાનો આદેશ કરતા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામી છે.
આ કેસની હકીકત એવી છે કે, કચ્છના હમીરપર ગામની સીમમાં આવેલ ખેતીની જમીન બાબતે ચાલતા જુના ઝઘડાએ રૌદ્ર રૂપ ધારણ કરતા આજથી બે વર્ષ પહેલા ફરીયાદી રમેશ ભવાનભાઈ રાજપુત તથા તેના પરીવારજનો પોતાની વાડીએ સ્કોર્પિયો ગાડીમાં જતા હતા ત્યારે આરોપીઓએ ફીલ્મી ઢબે સ્કોર્પિયો ગાડીના આગળના ભાગે ટ્રેકટર ભટકાડી ગાડી ઉભી રખાવેલ અને ગાડી રીવર્સ પણ જઈ ન શકે તે માટે પાછળનો રોડ ટ્રેકટરથી બ્લોક કરી દીધેલ અને લાકડી, ધારીયા, બંધુક જેવા હથીયારોથી હુમલો કરતા હુમલામાં ફરીયાદીના સગા, અખા જેસિંગભાઈ ઉમટ, પેથાભાઈ ભવનભાઈ રાઠોડ, અમરા જેસંગભાઈ ઉમટ, લાલજી અખાભાઈ ઉમટ તથા વેલા પાંચાભાઈ ઉમટ એમ પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવતા 22 લોકો વિરૂધ્ધ હત્યા, ધાડ, લુંટ, રાયોટિંગ તથા આર્મસ એકટ સહિતનો ગુન્હો નોંધાયેલ હતો.
આરોપી પૈકી સિધ્ધરાજસિંહ ભગુભા વાઘેલાએ બનાવ વખતે તેઓ બનાવ સ્થળથી 25 કિ.મી. દુર અયોધ્યાપુરી ગામડામાં હતા તેની હાજરી પ્રસ્થાપિત કરવા પોલીસને સીસીટીવી ફૂટેજ પણ આપેલા. આરોપીઓની ધરપકડ પછી સિધ્ધરાજસિંહે ભચાઉ કોર્ટમાં ફરિયાદ કરી છે કે, તેણે આપેલા સીસીટીવી ફૂટેજનો પોલીસે નાશ કર્યો છે. આરોપીના એડવોટ તુષાર ગોકાણીએ કોર્ટ સમક્ષ દલીલ કરેલી કે, આરોપીઓની બનાવ સ્થળે હાજરી ન હોવા સંદર્ભે મોબાઈલ લોકેશનનો પુરાવો મેળવવાની વિનંતી કરવા છતા પોલીસ દ્વારા આવો પુરાવો અદાલત પાસેથી સંતાડવામાં આવેલ. તપાસ કરનાર અમલદારે સત્ય હકીકતો રેકર્ડ પર મુકવી જોઈએ તેવી પોલીસ મેન્યુઅલની જોગવાઈનો સરેઆમ ભંગ કરી માત્ર એક તરફી રીતે જ નહિં
પરંતુ મનસ્વી રીતે સત્ય હકીકતો દેખાડતા પુરાવાઓનો નાશ કરી બનાવ સાથે કંઈ જ લાગતુ વળગતુ ન હોવા છતા ફરીયાદીની જુની અદાવતનો ખાર રાખી આરોપીને ગુન્હામાં સંડોવી દીધેલ છે અને સંપૂર્ણપણે એક તરફી અને કાયદાની પ્રક્રિયાને કલંકીત કરતી તપાસ કરેલ છે. સીસીટીવી ફુટેજ, મોબાઈલ કોલ ડિટેઈલ ઉપરાંત આરોપીએ પોતાની નિર્દોષતા છતી કરવા પોતે લાઈ ડિટેકશન ટેસ્ટ, નાર્કો એનાલીસીસ ટેસ્ટ, બ્રેઈન મેપિંગ ટેસ્ટ જેવા કોઈપણ વૈજ્ઞાનિક પધ્ધતિથી થતા ટેસ્ટ કરાવવા પણ સંમતી દર્શાવી ખરેખર સાચી દિશામાં અને સાચા વ્યકિતઓને જ આરોપી બનાવી કોટી રીતે ધરપકડ થયેલ લોકોને ન્યાય અપાવવા રજુઆતો કરેલ હતી. વિશેષ તપાસની માંગણી કરેલ હતી.
બન્ને પક્ષકારોની દિવસો સુધી ચાલેલ કાનુની કશમકશના અંતે કચ્છની સેશન્સ અદાલત દ્વારા પોતાના વિસ્તૃત ચુકાદામાં ઠરાવવામાં આવેલ કે, આરોપીએ પ્રથમથી જ પોતે બનાવ સ્થળે હાજર ન હોવાનું લેખીત તથા મૌખિક રજુઆતો કરેલ છે તે સંદર્ભે તપાસ થવી ખુજ જરૂરી હોવાનું ઠરાવી આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને આરોપીની બનાવ સમયે અલગ સ્થળે હાજરી બાબતેના અદાલતમાં રજુ થયેલ સીસી ટીવી ફુટેજ જે તે જગ્યાએથી મેળવી તેમજ બનાવ સમયના આરોપીના મોબાઈલની કોલ ડિટેઈલ રેકર્ડ મેળવ્યા
બાદ ફુટેજની ખરાઈ અર્થે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં મોકલી રીપોર્ટ આવ્યા બાદ તે રીપોર્ટ સાથે પોલીસે 3 મહિનાની અંદર સમગ્ર તપાસનો અહેવાલ અદાલતમાં રજુ કરવાનો આદેશ કરતા પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની ગયેલ છે. આ કેસમાં આરોપી સિધ્ધરાજસિંહ વતી રાજકોટના પ્રખર ધારાશાસ્તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા, રાહન જટાવડીયા રોકાયેલ છે.
તુષાર ગોકાણી | આરોપીના એડવોકેટ