(ગની કુંભાર) ભચાઉ તા.24 : વૈશ્વીક કોરોના મહામારી કોવિડ-19માં અનેક લોકોએ પોતાના વ્હાલસોયા પરીજનો ગુમાવ્યા. આ મહામારીના સમયમાં ગુજરાતના આરોગ્ય કર્મચારીઓએ પોતાના જાન તથા પરીવારના જીવની પરવા કર્યા વગર રાત દિવસ સેવા બજાવી અને કોરોનાની 3-3 લહેર પાર કરાવી
આ કાબીલેદાદ કામગીરી બદલ ગુજરાત સરકાર દ્વારા વર્ગ-3ના કર્મચારીઓને 130 દિવસનો વધારાનો પગાર તાજેતરમાં ચુકવવામાં આવ્યો. આ જ રીતે વર્ગ-4ના કર્મચારીઓ દ્વારા પણ 24 કલાક રાત દિવસ જોયા વગર દર્દીને ભોજનથી લઈ ઓકસીજન લાવવા મુકવા મૃતક પરીવારના સબને સ્મશાન ગૃહ સુધી મુકવા સફાઈ પાણીની વ્યવસ્થા પોતાના જાતના જોખમ મુકી કાબીલેદાદ કામગીરી બજાવેલ છે.
ગુજરાત સરકાર દ્વારા વર્ગ-3ના કર્મચારીઓને જેવી રીતે 130 દિવસનો વધારાનો પગાર ચુકવેલ છે તે જ ધોરણે વર્ગ-4ના કર્મચારીઓની કામગીરીની કદર કરી તેમને પણ તાત્કાલીક અસરથી વધારાના 130 દિવસનો પગાર ચુકવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી ભરતભાઈ ઠકકરે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે.