ચેક રિટર્ન કેસમાં મહિલા આરોપીને એક વર્ષની સજા

24 March 2023 03:21 PM
Jamnagar
  • ચેક રિટર્ન કેસમાં મહિલા આરોપીને એક વર્ષની સજા

જામનગર તા.24: જામનગરમાં રહેતા શિતલબેન નયનભાઇ તન્નાએ પોતાના પતિના મિત્ર કિશોરસિંહ ગોપાલસિંહ ચૌહાણ પાસેથી નાણાંકીય જરુરીયાત અર્થેવિના વ્યાજે રૂા. 50,000 હાથ ઉછીના લીધા હતાં અને તે પેટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જામનગર શાખાનો રૂા. 50,000નો ચેક આપ્યો હતો. ફરિયાદીએ પોતાની બેંકમાં ચેક જમા કરાવતા તે ચેક એક્સિડસ એરેજમેન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ ચેક મુજબની રકમ દિવસ-15માં પરત ચૂકવી આપે તે મુજબની ફરિયાદીએ પોતાના વકીલ મારફત લિગલ નોટીસ મોકલી હતી. જે લીગલ નોટીસનો આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં અને ચેક મુજબની રકમની માગણી કરવા છતાં ચૂકવેલ નહીં. જેથી ફરિયાદીએ જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી અને તે કેસ જામનગરના 9માં એડીશનલ ચીફ જ્યુ. મેજી.ની કોર્ટ (સ્પેશીયલ નેગોશિયેબલ કોર્ટ)માં ચાલી જતાં અને સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરી ફરિયાદીના વકીલ અશ્ર્વિન કે. બારડની તમામ દલીલો સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓ ધ્યાને રાખી આરોપી શિતલબેન નયનભાઇ તન્નાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ના ગુન્હા સબબ એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. 50,000 દંડ કરવામાં આવ્યો હતો. વધુમાં સદર દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા તથા જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો આરોપીને વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે યુવાન ધારાશાસ્ત્રી અશ્ર્વિન કે. બારડ તથા આસિ. જુનિયર રોનક એચ. જોગલ રોકાયેલ હતાં.


Advertisement
Advertisement