જામનગર તા.24:
સિંધી સમાજના આરાધ્ય દેવ એવા ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિ એટલે કે, ચેટીચાંદના નવા વર્ષની જામનગરમાં સિંધી સમાજ દ્વારા ધામધુમથી ઉજવાણી કરવામાં આવી હતી. ગઇકાલે સવારે પ્રભાત આરતી બાદ 20 બાળકોને જનોઈ આપવામાં આવી હતી. બાદમાં સાંજે 5 વાગ્યે ભહેરાણા સાહેબ (અખંડજ્યોત)ની શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં સામાજીક સંદેશ અને ભગવાન ઝુલેલાલના જીવન ચરિત્રના દર્શન કરાવતા 15 ફ્લોટસ જોડાયા હતા.
ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા ઝુલેલાલ મંદિર ખાતે ગઇકાલે સવારે પાંચ વાગ્યે પ્રભાત આરતી બાદ દુધ- બ્રેડના પ્રસાદનું વિતરણ યોજાયું હતું. સિંધી સમાજના ભાઈઓ-બહેનો વહેલી સવારથી જ મંદિરે માથું ટેકવવા ઉમટ્યા હતા. બાદમાં 10:30 વાગ્યે મંદિર સામેની જગ્યામાં 20 બાળકોના યજ્ઞોપવિતની સિંધી સમાજના ભુદેવ ચુનિલાલ શર્મા દ્વારા કરાવવામાં આવી હતી. આ વિધિ બાદ સમુહ પ્રસાદ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સીંધી સમાજના લોકો ઉમટ્યા હતા. બાદમાં સાંજે પાંચ વાગ્યે ઝુલેલાલ મંડળ અને સિંધી સમાજ દ્વારા નાનકપુરીથી ભહેરાણા સાહેબ (અખંડ જ્યોત)ની શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં મહિલા સશક્તિકરણના બે, દેશભક્તિના બે, ડીજે, પ્રસાદવિતરણ સહિતના વિવિધ ઝાંખીઓ કરાવતા કુલ 15 ફ્લોટસ જોડાયા હતા. ઝુલેલાલ મંડળના પ્રમુખ ભગવાનદાસ ભોલાણી, કિશનચંદ ધીંગાણી, કપિલભાઈ ખીમનાણી, સિંધી સમાજના ચેરમેન પરમાણંદભાઈ ખટ્ટર, સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી વગેરે જોડાયા હતા. આ શોભાયાત્રા નાનકપુરીથી પવનચક્કી, પ્લોટ ચોકી, ખંભાળીયા ગેઈટથી બર્ધનચોક, દરબારગઢ, ચાંદી બજારથી સજુબા સ્કુલ, રણજીતરોડ, બેડી ગેઈટથી તીનબત્તી વિસ્તારમાં આવેલા ઝુલેલાલજી મંદિર ખાતે રાત્રે 10 વાગ્યે સમાપ્ત થઈ હતી. આ શોભાયાત્રામાં વિશિષ્ટ ઝાંખી ધરાવતા ફ્લોટસના મંડળોનું રાત્રે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મંદિર ખાતે સમુહ પ્રસાદ (ભંડારો) પણ યોજવામાં આવ્યો હતો.