નવીદિલ્હી, તા.24
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને કોર્ટે બે વર્ષની સજા ફટકારતાની સાથે જ આજે લોકસભા સ્પીકર દ્વારા તેમનું સભ્યપદ રદ્દ કરી નાખવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી બાજુ એ જાણી લેવું પણ જરૂરી છે કે રાહુલ પહેલાં એવા નેતા નથી જેમણે સભ્યપદ ગુમાવ્યું છે. આ પહેલાં પણ અનેક એવા સાંસદ-ધારાસભ્યો પોતાનું પદ ગુમાવી ચૂક્યા છે. નિયમ પ્રમાણે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ અથવા તેનાથી વધુની સજા થાય તો તેનું સભ્યપદ ચાલ્યું જાય છે.
આ પહેલાં ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આઝમ ખાને પોતાનું સભ્યપદ ગુમાવ્યું હતું. આઝમ રામપુરથી સળંગ દસ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે તો સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ટીપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો જે મામલે ત્રણ વર્ષ સુધી કોર્ટ કેસ ચાલ્યો અને પછી આઝમને ત્રણ વર્ષની સજા સંભળાવાઈ હતી જે બદલ તેમનું ધારાસભ્યપદ ગયું હતું.
આવી જ રીતે આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમે પણ પોતાનું પદ ગુમાવ્યું હતું. મુરાદાબાદની એક અદાલતે 15 વર્ષ જૂના કેસમાં અબ્દુલ્લાને બે વર્ષની સજા સંભળાવી હતી. અબ્દુલ્લા રામપુરની સ્વાર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
આવી જ રીતે મુઝફ્ફરનગરના ખતૌલીથી ધારાસભ્ય રહી ચૂકેલા વિક્રમ સૈનીને પણ ધારાસભ્યપદેથી દૂર થવું પડ્યું હતું. વિક્રમ રમખાણોમાં સામેલ હતા જે બદલ તેમને બે વર્ષની સજા ફટકારાઈ હતી. વિક્રમ સૈની ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેમના જેલમાં ગયા બાદ તેમના પત્નીને ભાજપે ટિકિટ આપી હતી પરંતુ તે હારી ગયા હતા.
આ નેતાઓ ઉપરાંત લક્ષદ્વિપના સાંસદ મોહમ્મદ ફૈઝલને 10 વર્ષની સજા મળતાં તેમનું સભ્યપદ ચાલ્યું હતું. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. ફૈઝલ ઉપર કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.એમ.સઈદ તેમજ મોહમ્મદ સાલિયા ઉપર હુમલો કરવાનો આરોપ હતો. જ્યારે ઝારખંડની રામગઢ વિધાનસભા બેઠક પરથી મમતા દેવીને અયોગ્ય ઠેરવાયા હતા. મમતાને હજારીબાગ જિલ્લાની એક કોર્ટે પાંચ વર્ષ જેલની સજા સંભળાવી હતી. તેમના ઉપર હત્યાના પ્રયાસ અને રમખાણોનો આરોપ હતો.
ભાજપની ટિકિટ પરથી અયોધ્યાની ગોસાઈગંજ બેઠક પર ધારાસભ્ય રહેલા ઈન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે ખબ્બૂ તીવારીનું સભ્યપદ 2021માં ગયું હતું. ખબ્બુ તિવારી નકલી માર્કશીટ કેસના ગુનામાં પાંચ વર્ષની જેલસજા મેળવી ચૂક્યા છે. તેમના ઉપરાંત ઉન્નાવ બળાત્કાર કાંડમાં દોષિત ઠરેલા ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પણ હવે ધારાસભ્ય રહ્યા નથી. તેમને કોર્ટે આજીવન જેલની સજા ફટકારેલી છે.
હમીરપુર જિલ્લામાંથી ભાજપમાંથી ચૂંટાયેલા અશોક કુમાર સિંહને પણ એક અદાલતે હત્યા કેસમાં આજીવન કેદની સજા સંભળાવતાં તેમનું સભ્યપદ ગયું હતું. આ ઉપરાંત રાજદના ધારાસભ્ય અનિલકુમાર સાહની અને બિહારના મોકામાના ધારાસભ્ય અનંત કુમાર સિંહનું પદ પણ કોર્ટ તરફથી સજા મળ્યા બાદ ગયું છે.