નવીદિલ્હી, તા.24
કોંગ્રેસ નેતા અને કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ્દ થઈ ગયું છે. રાહુલ ગાંધીનું સભ્યપદ કરતા નોટિફિકેશનમાં કહેવાયું છે કે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ તેમનું લોકસભા સભ્યપદ રદ્દ કરવામાં આવી છે. આ અયોગ્યતા તેમના ઉપર 23 માર્ચ 2023થી લાગુ પડશે. બીજી બાજુ આ કાર્યવાહી બાદ હવે એવી અટકળો વહેતી થઈ ગઈ છે કે રાહુલ ગાંધી 2024 અને 2029ની લોકસભા ચૂંટણી પણ લડી શકશે નહીં.
2013માં સુપ્રીમ કોર્ટે લોક પ્રતિનિધિ અધિનિયમ-1951ને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કલમ 8(4)ને ગેરબંધારણીય ગણાવી હતી. આ જોગવાઈ પ્રમાણે ગુનાહિત મામલામાં (બે વર્ષ અથવા તેનાથી વધુની સજાની જોગવાઈ વાળી કલમો હેઠળ) દોષિત ઠરેલા ચૂંટાયેલા પ્રતિનિધિને એ સ્થિતિમાં અયોગ્ય ઠેરવી નહોતા શકાતા જ્યાં સુધી તેણે હાઈકોર્ટમાં પોતાની અરજી દાખલ ન કરી હોય મતલબ કે 8(4) મુજબ દોષિત સાંસદ, ધારાસભ્યને અદાલતના નિર્ણય વિરુદ્ધ અપીલ પેન્ડીંગ હોવા દરમિયાન પદ પર ટકી રહેવાની છૂટ મળે છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કોઈ પણ કોર્ટમાં દોષિત ઠેરવાયા બાદ નેતાનું પદ ચાલ્યું જાય છે. આ સાથે જ આગલા છ વર્ષ સુધી તે વ્યક્તિ ચૂંટણી લડી શકતી નથી. રાહુલનું સાંસદપદ ચાલ્યું ગયું છે ત્યારે જો કોર્ટ તરફથી તેમને કોઈ રાહત નહીં મળે તો 2024 અને 2029ની લોકસભા ચૂંટણી તેઓ લડી શકશે નહીં.
રાહુલ ગાંધી પાસે હવે શું શું વિકલ્પ
► રાહુલ ગાંધીને સજા વિરુદ્ધ અપીલ કરવા માટે સુરત કોર્ટે 30 દિવસની મુદ્દત આપી છે. રાહુલ સજા વિરુદ્ધ કોર્ટમાં જશે. કોર્ટ જો સુરતની અદાલતના ચુકાદા પર રોક લગાવે છે તો તેને રાહત મળી શકે છે.
► બીજી બાજુ રાહુલ લક્ષદ્વિપના સાંસદ મોહમ્મદ ફૈઝલના મામલાની જેમ રાહતની આશા પણ રાખી શકે છે. ફૈઝલને એક કેસમાં 10 વર્ષની સજા મળી હતી. તેની બેઠક પર પેટાચૂંટણીનું એલાન પણ થઈ ગયું હતું. જો કે હાઈકોર્ટે ચૂંટણી ઉપર જ રોક લગાવી દીધી હતી.
► રાહુલ ગાંધી તેને અયોગ્ય ઠેરવાયાના લોકસભા મહાસચિવાલયના નિર્ણયને પણ અદાલતમાં પડકારી શકે છે.