એક સમયે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની અદાલતમાં મોદી અટક મુદે જે કેસ કર્યો હતો તે ઓચિંતા જ ભાજપને એક બગાસુ ખાતા પતાસુ મળે તેવી સ્થિતિ બની ગઇ છે અને પક્ષને તેનો જબરો ફાયદો થશે તેવું માનવામાં આવશે. રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા લંડન વિવાદ વિધાન કરતા સુરત અદાલતનો ચુકાદો વધુ કારગર સાબિત થશે તેવું મનાય છે અને તેથી જ પૂર્ણેશ મોદી પર અભિનંદન વરસી રહ્યા છે.
ગઇકાલે તેમના ચહેરા પરનું સ્મિત કહી જતું હતું કે તેઓ હવે ફરી મોવડી મંડળ પાસે ધોકો પછાડી શકે છે. અગાઉ ભુપેન્દ્ર પટેલ-1 સરકારમાં તેઓને જાહેર બાંધકામ સહિતના મહત્વના મંત્રાલયો મળ્યા હતા પરંતુ ઓચિંતા જ તેમના અને રાજેન્દ્ર ત્રિવેદીના લગડી ખાતા છીનવી લેવાયા ત્યારથી તેમનું પોલીટીકલ ડિમોલીશન કરાયું હોવાનું માનવામાં આવે છે. જોકે પૂર્ણેશ મોદી ફરી ટીકીટ મેળવવામાં લકી રહ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદીને તો પક્ષે ટીકીટ આપી ન હતી અને પૂર્ણેશ મોદીએ વિજય પણ મેળવ્યો પણ મંત્રીમંડળમાં ન આવ્યા હવે તેઓએ જે રીતે રાહુલ ગાંધી જેવા નેતાનો નશિકારથ કર્યો છે તે તેમના માટે સૌથી મોટો પ્લસ પોઇન્ટ બની ગયો છે અને સંભવ છે કે તેઓને તેનો સિરપાવ પણ મળશે. તે પણ ચોકકસ છે. હવે ગુજરાતમાં મોવડી મંડળ કઇ રીતે પૂર્ણેશ મોદીની કદર કરે છે તેના પર સૌની નજર છે.