◙ સરકારી વકીલ એસ.કે. વોરા, એડવોકેટ તરૂણભાઈ કોઠારીની દલીલો ધ્યાને લઈ સેશન્સ જજ જે.ડી. સુથારે અંતિમ શ્ર્વાસ સુધી આજીવન કેદની સજાની સાથે પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો
◙ મારી પત્ની ઉપર પણ કાલભૈરવની કૃપા વરસી હતી તેમ કહી આરોપી યોગેશ ઉર્ફે ભીખુ કુબાવતે પોતાની જ પત્નીના નગ્ન ફોટા બે સંતાનની માતાને મોકલેલા
રાજકોટ તા.24
રાજકોટમાં કૌટુંબિક ભત્રીજી ઉપર કાળભૈરવનો કોપ બતાવી અનેક વખત બળાત્કાર કરનાર આરોપીને અંતિમ શ્ર્વાસ સુધીની આજીવન કેદની સજા સેશન્સ અદાલતે ફટકારી છે. બે સંતાનોની માતા ભોગ બનનારના પતિને ધંધામાં બરકત ન આવવાનું ખોટું કારણ બતાવી પોતાના જ ઘરે પોતાની પત્નીની હાજરીમાં આરોપી દુષ્કર્મ ગુજારતો હતો.
વર્ષ 2018માં ભોગ બનનારના પતિને ફોરવ્હીલ ગાડીનો ધંધો ચાલતો ન હોવાથી કાળભૈરવની અપકૃપા હોવાનું બહાનુ બતાવી પિતરાઈ ભાઈ યોગેશ ઉર્ફે ભીકુભાઈ કાશીરામભાઈ કુબાવતે બેથી વધુ વખત શરીર સબંધ બાંધી બળાત્કાર કરતા અધિક સેશન્સ જજ જે.ડી. સુથારે આરોપીને અંતિમ શ્ર્વાસ સુધીની સખ્ત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસની હકીકત એવા પ્રકારની છે કે ભોગ બનનારના લગ્ન વર્ષ 2011માં થયેલ હતા.
ત્યારબાદ તેમના પતિને ફોરવ્હીલ ગાડીનો ધંધો હતો જેમાં ઘણા લાંબા સમય સુધી કોઈ નફો થતો ન હતો. આ કારણે આરોપી યોગેશ ઉર્ફે ભીખુએ પોતાના કૌટુંબીક સબંધોનો લાભ લઈ ભોગ બનનાર કૌટુંબિક ભત્રીજીને સમજાવી, ફોસલાવી, ભરમાવી જણાવેલ હતું કે, તેણી ઉપર કાળભૈરવનો કોપ છે. આ કારણે આરોપીએ જણાવેલ કે ભોગ બનનારે કાળભૈરવ સાથે સહશયન કરવું પડશે નહીં તો હજુ વધુ મુશ્કેલીઓ પડશે. ભોગ બનનારે પોતાના પતિની બરકત માટે આરોપીને પુછેલ હતું કે, કાળભૈરવ કોણ છે ત્યારે આરોપીએ જણાવેલ કે કાળભૈરવ તેણીને મળી શકે નહીં પરંતુ આરોપી પોતે કાળભૈરવ વતી તેણીની સાથે શરીર સબંધ બાંધશે.
આરોપીએ ભોગ બનનારને વધુમાં જણાવેલ હતું કે, આરોપીની પત્ની પણ કાળભૈરવ સાથે સબંધ રાખે છે અને આવા સબંધોની રૂએ આરોપીની પત્નીએ પણ પોતાના નગ્ન ફોટાઓ ભોગ બનનારને બતાવેલ હતા. ભોગ બનનાર આવી બાબતોથી ભરમાઈ ગયેલ અને આરોપી સાથે સહશયન કરવા સહમત થયેલ હતી. આ રીતે બે વખત શરીર સબંધ બાંધેલ હોવા છતાં ભોગ બનનારના પતિને કોઈ જ ફાયદો થયેલ જણાતો ન હતો તેથી ભોગ બનનારે પોતાના પતિને આરોપીએ કરેલ કૃત્યો અંગે જાણ કરેલ હતી. આથી પોલીસમાં ભોગ બનનારે ફરીયાદ કરતા ગુન્હાની તપાસના અંતે આરોપી અને તેની પત્ની વિરુધ્દ બળાત્કારના ગુન્હાની ચાર્જશીટ રજુ થયેલ. આ કેસ ચાલી જતા આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે જુના ઝઘડાનો ખાર રાખીને આરોપી સામે ભોગ બનનારે ખોટો કેસ કરેલ છે.
સરકાર તરફે દલીલો કરતા જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ જણાવેલ હતું કે ભોગ બનનારના મોબાઈલમાં આરોપીના પત્નીના મોબાઈલમાં નગ્ન ફોટા મોકલાવેલ હોવાનું તેમજ આરોપી ભોગ બનનારનો કૌટુંબિક કાકો થતો હોઈ તેથી ભોગ બનનારને ખોટી ફરીયાદ કરે તે ભારતીય સંસ્કૃતિની સ્ત્રીના સંસ્કાર વિરુધ્ધની વાત છે જે માની શકાય નહીં.
ભોગ બનનારે બે સંતાનોની માતા હોવા છતાં કોટી ફરીયાદ કરે તે પણ કાયદાથી વિરુધ્ધનું અનુમાન કહેવાય જે અનુમાન કરી શકાય નહીં આ તમામ રજુઆતોના અંતે અધિક સેશન્સ ન્યાયાધીશ સુથારે આરોપી યોગેશ ઉર્ફે ભીખુ કાશીરામ કુબાવતને અંતિમ શ્ર્વાસ સુધીની સખ્ત કેદની આજીવન સજા તથા રૂપિયા પાંચ હજારનો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા તેમજ ફરીયાદી ભોગ બનનાર વતી સરકારની મદદગારીમાં તરુણભાઈ એસ. કોઠારી રોકાયેલ હતા.