► સુરત કોર્ટનાં ચુકાદાના 24 કલાકમાં જ સરકારની કાર્યવાહી: 2013 ના સુપ્રિમ કોર્ટનાં ચૂકાદાને અક્ષરશ લાગુ કરી દેવાયો
નવી દિલ્હી તા.24 : સુરતની સેસન્સ કોર્ટ દ્વારા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી સરનેમ વિવાદમાં ગઈકાલે બે વર્ષની જેલ સજાના આપેલા ચુકાદાના 24 કલાકમાં જ આજે રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. લોકસભા સચીવાલય દ્વારા આ અંગેનું એક જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધી સુરત કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરે અને સ્ટે મેળવે અને કોઈ રાહત મેળવે તે પુર્વે જ કેન્દ્ર સરકારે વિજળીક ગતિએ આજે રાહુલનું લોકસભા સભ્યપદ રદ કરીને તેમને જબરો આંચકો આપ્યો છે અને હવે આ મુદે પણ કાનુની જંગ છેડાશે તે નિશ્ર્ચિત છે. રાહુલ ગાંધી 2019માં કેરળની વાયનાડ લોકસભા બેઠક પર વિજેતા બન્યા હતા
અને તેઓ પર આ સાથે હવે પુર્વ સાંસદનું લેબલ લાગી ગયું છે. લોકસભાનું સભ્યપદ ગુમાવનાર તેઓ ગાંધી કુટુંબના બીજા સભ્ય છે. અગાઉ 1977માં તે સમયના પુર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીનું લોકસભા સભ્યપદ ખત્મ કરવામાં આવ્યું હતું. એક તરફ આજે વિપક્ષો અદાણી મુદે તેમની કુચ યોજી રહ્યા હતા
તે સમયે જ લોકસભા સચીવાલયે આ જાહેરનામુ બહાર પાડીને કોંગ્રેસને પણ મોટો આંચકો આપ્યો હતો. 2013માં સુપ્રીમ કોર્ટે આપેલા એક ચૂકાદા મુજબ જયારે કોઈ જનપ્રતિનિધિ એટલે કે સાંસદ કે ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા કરવામાં આવે તો તેનું સભ્યપદ આપોઆપ રદ થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે તે સમયે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે જે તે જનપ્રતિનિધિ આ ચૂકાદા સામે અપીલ કરે અને જો તેને દોષિત ઠેરવતા ચુકાદા અને સજા બંને સામે સ્ટે મળે તો તેનું સભ્યપદ બચી શકે છે પરંતુ રાહુલ ગાંધીને તે સમય પણ મળ્યો ન હતો.