દિલ્હી, તા. 24 : મોદી અટક વિવાદમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થયો છે. કોંગ્રેસે આને લોકશાહીનો નાશ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો, તો ભાજપે પણ વળતો પ્રહાર કર્યો હતો.કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ અંગે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે.
તેમણે કહ્યું કે ગાંધી અટક ધરાવતા તમામને દોષી ગણી શકાય નહીં કારણ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતીય લોકશાહી, સશસ્ત્ર દળો અને દેશની સંસ્થાઓનું "અપમાન" કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને રાહુલ પર નિશાન સાધ્યું હતું. લખ્યું, ’ગાંધી અટક ધરાવતા તમામને અમે દોષી ગણી શકીએ નહીં.કારણ કે રાહુલ ગાંધીએ ભારતીય લોકશાહી, આપણા સશસ્ત્ર દળો અને ભારતીય સંસ્થાઓનું અપમાન કર્યું છે.
રાહુલ ગાંધીએ ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી અને સમગ્ર ઓબીસી સમુદાયનું અપમાન કર્યું. આશ્ચર્યજનક રીતે કોંગ્રેસના કેટલાક નેતાઓ તેનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા ગુરુવારે રિજિજુએ કહ્યું હતું કે ગાંધીજીની ટિપ્પણીથી કોંગ્રેસને નુકસાન થયું છે. રાહુલના કારણે સમગ્ર કોંગ્રેસ પાર્ટીનું નસીબ ડૂબી રહ્યું છે.