ગાંધીનગરમાં ભુપેન્દ્ર પટેલ સરકાર બાદ એક વખત ગુજરાતમાં ભાજપના પાવરહાઉસ ગણાતા રાજકોટની બેટરી ડાઉન થઇ હોવાના અફસોસ કાર્યકર્તાઓ અને નેતાઓ કરી રહ્યા છે અને હવે સરકારમાં અને સંગઠનમાં રાજકોટના નેતાઓને કયાં કયાં સ્થાન મળશે તે ચર્ચા પણ છે. હાલ ભાજપના ટોચના સંગઠનમાં રાજકોટનું પ્રતિનિધિત્વ લગભગ નીલ છે. પ્રદેશ ઉપપ્રમુખ ભરત બોઘરા રાજકોટના હોવા છતાં અંતે તેઓ જિલ્લામાં ગણાય છે અને રાજકોટ શહેર ભાજપનું સંગઠન પણ બદલાશે તેવી ચર્ચા છે જેમાં વર્તમાન પ્રમુખ કમલેશ મીરાણીને બોર્ડ નિગમમાં સ્થાન મળે તેવી શકયતા નકારાતી નથી. જયારે અગાઉ મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન તરીકે રહી ચૂકેલા ધનસુખ ભંડેરીને સંગઠનમાં કોઇ મહત્વનો હોદો અપાય તેવી શકયતા છે.
હાલમાં જ ભાજપના સાસણ ખાતેના અભ્યાસ વર્ગમાં ડો.ધનસુખ ભંડેરીને સમગ્ર વ્યવસ્થા સોંપાઇ હતી અને તેઓએ માઇક્રો પ્લાનીંગ કરીને આ અભ્યાસ વર્ગમાં સૌને ખુશ કરી દીધા પછી હવે તેમને અગાઉ સરકારમાં છ વર્ષ મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન તરીકે તક મળી હોવાથી સંગઠનમાં તેમને મહામંત્રી કે તેવા હોદ્દા પર સ્થાન મળી શકે તેવી ચર્ચા ભાજપમાં છે. તો કશ્યપ શુકલને પણ મોટી જવાબદારી સોંપાય તેવી શકયતા છે.
આ ઉપરાંત છ માસ બાદ નવા મેયર અને ડે.મેયરની વરણી પણ થશે અને કોર્પોરેશનમાં પણ ચહેરા બદલાશે તેને પણ આ ફેરફાર સમયે ધ્યાનમાં લેવા જેમાં નવા શહેર પ્રમુખ તરીકે યુવા ચહેરામાં હાલના સ્ટે.ચેરમેન પુષ્કર પટેલને સ્થાન મળી શકે છે અને મહામંત્રીઓમાં પણ જ્ઞાતિઓનું બેલેન્સ જાળવીને આગળ વધાશે.