રાજકોટ,તા.24
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાય રહેલી પરીક્ષામાં ગત તા.20ના લેવાયેલ ધો.12 સંસ્કત મધ્યમાના વ્યાકરણમ વિષયના પેપરમાં 100માંથી 90 ગુણના પ્રશ્નો કોર્ષ બહારના પુછી નખાતા મચી ગયેલા હોબાળા બાદ આ પેપર ફરીથી લેવા બોર્ડ મેમ્બરોની રજૂઆત શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવનાર છે. આ પરીક્ષા હવે સંભવત: આગામી તા.29ના લેવાશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, ધો.12 સંસ્કૃત મધ્યમાની આ પરીક્ષામાં વ્યાકરણમ વિષયના લેવાયેલા પેપર જુની સ્ટાઇલ મુજબનું કાઢી 90 ગુણના પ્રશ્નો કોર્ષ બહારના પુછી નંખાયા હતા. જયારે આ પેપરમાં માત્ર 10 ગુણના પ્રશ્નો જ હાલની પેપર સ્ટાઇલના મુકવામાં આવેલ હતા.
આ પેપરમાં કોર્ષ બહારના પુછી નખાયેલા પ્રશ્નોના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષા દરમ્યાન જ રડી પડયા હતા. અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજયમાં પોરબંદર સહિત 46 જેટલી સંસ્કૃત પાઠશાળાઓ આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત માધ્યમમાં અભ્યાસ કરી રહયા છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.20ના લેવાયેલા ધો.12 સંસ્કૃત મધ્યમાના વ્યાકરણમ વિષયના પેપરમાં કોર્ષ બહારના પ્રશ્નો પુછી નંખાતા શિક્ષણ બોર્ડના મેમ્બરો દ્વારા આ બાબતે બોર્ડના અધ્યક્ષ, સચિવ તેમજ શિક્ષણ વિભાગને રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સંસ્કૃત મધ્યમાનું વ્યાકરણમ વિષયનું પેપર ફરીથી લેવાનો નિર્ણય લીધો છે.