► સ્થાનિક વકિલોને માર્મિક ટકોર: અસીલોને કપડાં પરથી જજ ન કરો, ખરી સ્પર્ધાની તમને હવે ખબર પડશે
રાજકોટ તા.24 : ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ ગીતાબેન ગોપીએ વિદેશી વકીલોને આપણે ત્યાં પ્રેકિટસ કરવા મંજૂરી અપાઈ છે. તે વાતને લઈ ખુશી પ્રગટ કરી હતી અને સાથે એવું પણ જણાવ્યું હતું કે સ્તાનિક વકીલો અને વિદેશી વકીલો વચ્ચે હવે ટફ સ્પર્ધા થશે. જેનાથી સ્થાનિક વકીલોના ધારા ધોરણો બદલાશે. તેમણે કહ્યું કે, ફોરેન એડવોકેટસ આવીને પ્રેકિટસ ક્રશે તે સમાચારથી હું અત્યંત ખુશ થઈ છું. હવે સ્થાનિક વકીલોને ટફ સ્પર્ધાનો સામનો કરવો પડશે.
વિદેશી વકીલો અરજદારો-અસીલોને ચા-કોફી પીવડાવશે. કોર્પોરેટ એપ્રોચ રાખશે. માર્મિક ટકોર કરતા જસ્ટીસે કહ્યું કે, આપણે ત્યાં વકીલની ઓફિસમાં બેઠેલ ગરીબ કે સામાન્ય અસીલને કોઈ પુછતું નથી કે, તે શા માટે આવ્યો છે. અમદાવાદ જેવા શહેરમાં તો કોઈ પૂછે જ નહીં જિલ્લા અને તાલુકામાં તો હજુ પણ કોઈ તેમને પારીનો ગ્લાસ આપતા હશે. હવે વિદેશી વકીલ ચા-કોફી પીવડાવશે તમે (સ્થાનિક વકીલો) તેની સામે સ્પર્ધામાં શું કરશે એ જોવા જેવું હશે. જસ્ટીસ ગીતાબહેને કહ્યું કે કોઈને કપડા પરથી જજ ન કરો.
કોઈ ગેરેજ વાળા અસીલના કપડે ઓઈલના ડાઘ હશે. ખેડુત અસીલે મેલા કપડા પહેર્યા હશે. એ ગરીબ કે સામાન્ય નથી હોતા. કદાચ તમારા કરતા પણ વધુ રૂપિયા વાળા હોઈ શકે. તમે અસીલોને સન્માન ન આપો તો કેવી રીતે ચાલે. હવે વિદેશી વકીલો ભારતમાં પ્રેકિટસ કરવા આવવાના છે, તમને એ ખબર છેને? ત્યારે તમને ખરી સ્પર્ધા ખબર પડશે. પછી તમે અરજદારને સામે ચાલી બોલાવશો. હાઈકોર્ટમાં એક કેસ દરમિયાન જસ્ટીસ ગીતાબહેન ગોપીએ આ ટકોર કરી હતી.