પતિ મારામારીના ગુનામાં જેલમાં ગયો’ને પત્નીએ દારૂ વેચવાનું શરૂ કર્યું: 600 બોટલ સાથે પકડાઈ

24 March 2023 05:27 PM
Rajkot Crime
  • પતિ મારામારીના ગુનામાં જેલમાં ગયો’ને પત્નીએ દારૂ વેચવાનું શરૂ કર્યું: 600 બોટલ સાથે પકડાઈ
  • પતિ મારામારીના ગુનામાં જેલમાં ગયો’ને પત્નીએ દારૂ વેચવાનું શરૂ કર્યું: 600 બોટલ સાથે પકડાઈ

નવલનગર પાસે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી સપના ડાંગરને વિદેશી દારૂ સાથે પકડી પાડી: ભાડાની ઓરડી રાખી તેમાં છુપાવ્યો’તો દારૂ

રાજકોટ, તા.24
રાજકોટમાં દારૂ વેચાણના દૂષણને ડામી દેવા માટે પોલીસે ધડાધડ દરોડા પાડવાનું શરૂ કર્યું છે જેના કારણે બૂટલેગરોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સામાન્ય રીતે દારૂનું વેચાણ કરતાં લગભગ દરેક વખતે પુરુષ બૂટલેગરો જ પકડાતા હોય છે પરંતુ ક્રાઈમ બ્રાન્ચે નવલનગરમાં દરોડો પાડીને મહિલાને દારૂના જથ્થા સાથે પકડી પાડતાં ચકચાર મચી જવા પામી છે. દારૂ સાથે પકડાયેલી મહિલાનો પતિ મારામારીના ગુનામાં જેલમાં ગયા બાદ પત્નીએ દારૂ વેચાણ સંભાળી લીધું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રાજદીપસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ડી.ડી.જાડેજા, કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ગોહિલ સહિતના સ્ટાફે બાતમીના આધારે નવલનગર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટી શેરી નં.6માં આવેલી ઓરડીમાં દરોડો પાડતાં ત્યાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 600 બોટલ મળી આવી હતી. તપાસ કરતા આ દારૂ સપનાબેન ધવલભાઈ ડાંગરનો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ સપના ડાંગરની પૂછપરછ કરવામાં આવતાં તેનો પતિ ધવલ થોડા સમય પહેલાં જ મારામારીના ગુનામાં જેલમાં ગયો હોય દારૂ વેચાણનું કામ તેણે સંભાળી લીધું હતું. જો કે જેલમાં જતા પહેલાં તે અને તેનો પતિ ધવલ બન્ને દારૂનું વેચાણ કરી રહ્યા હતા. પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે સપના સામે આ અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં જ દારૂની હેરાફેરીનો ગુનો નોંધાયો હોવાનું ખુલ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે સપનાની ધરપકડ કરી તે દારૂનો આ જથ્થો ક્યાંથી લાવી હતી અને કેટલા સમયથી તેનું વેચાણ કરી રહી હતી તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.

હત્યાના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ વકીલની ફી ચૂકવવા માટે દારૂ વેચવાનું શરૂ કરનારો શખ્સ 168 બોટલ સાથે પકડાયો
ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ બી.ટી.ગોહિલ, કોન્સ્ટેબલ રોહિતભાઈ કછોટ તેમજ સહદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે થોરાળા પોલીસ મથકમાં 2019માં હત્યાના ગુનામાં જેલમાં ગયા બાદ ત્યાંથી આવીને તુરંત જ દારૂ વેચાણ શરૂ કરી દેનારા જયસુખ પુનાભાઈ રાઠોડ (ઉ.વ.38)ને મારૂતિ ઈકો કારમાં દારૂની 168 બોટલ સાથે આજીડેમ ચોકડી નીજક એચ.પી.પેટ્રોલ પંપ પાસેથી પકડી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે જયસુખ હત્યાના ગુનામાં પકડાયા બાદ જામીન ઉપર છૂટ્યો હતો. જો કે કેસ ચાલું હોવાથી વકીલને ચૂકવવા માટેની ફીના પૈસા ન હોય તેનો ખર્ચ કાઢવા માટે તેણે દારૂનું વેચાણ શરૂ કર્યું હોવાનું ખુલ્યું છે. આ માટે તે પોતાની ગાડીમાં જ દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની કબૂલાત આપી છે.


Related News

Advertisement
Advertisement