રાજકોટ,તા.24 : રાજકોટ અમદાવાદ હાઇવે રોડ નવાગામ આણંદપરથી સોખડા જવાના રસ્તે ખરાબાની જમીનમાં મૃત પશુઓને દાટવાને બદલે મૃત પશુઓનું માંસ તેમજ ચામડું કાઢી ગેરકાયદેસર વેચાણ કરવા માટે એક છકડો રિક્ષા માંસ અને ચામડા સાથે રાજકોટ તરફ જઇ રહ્યો હોવાની ગૌરક્ષકોને માહિતી મળી હતી.જેથી ગૌરક્ષકોએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.જેને પગલે ગૌરક્ષકો અને પોલીસે નવાગામ (આણંદપર) નજીક વોચ ગોઠવી હતી.
હકીકતને આધારે વોચ દરમિયાન માહિતી મુજબનો છકડો રિક્ષા પસાર થતા પોલીસે તેને અટકાવ્યો હતો.છકડો રિક્ષામાં શંકાસ્પદ માંસ અને ચામડું મળી આવતા ચાલક સહિત જી.જે.11 ઝેડ 8415 નંબરની છકડો રિક્ષાને પોલીસ મથક લઇ જવાયો હતો.જ્યાં પોલીસે ચાલકની પૂછપરછ કરતા તે મૂળ લાલપુરના ધારાનગરનો અને હાલ મવડી ગામના આંબેડકરનગર-4માં રહેતો કલ્પેશ ગોવિંદ બગડા હોવાનું અને તે મરી ગયેલા ઢોર ઉપાડવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
બાદમાં છકડો રિક્ષાના પાછળના ભાગે રહેલો સામાન ચેક કરતા કંતાન નીચે રાખેલું માંસ હતું જેથી એફ.એસ.એલની મદદ લઇ આ માંસ અંગે તપાસ કરાવતા આ ગૌમાસ હોવાનું સ્પષ્ટ થયું હતું.બાદમાં ગાયનું ચામડું, ઇલેક્ટ્રિક વજન કાંટો, છરી, સળિયો, કુહાડી અને છકડો રિક્ષામાં ઢોર ચડાવવાનું લોખંડનું મશીન મળી આવ્યું હતું. બાદમાં પોલીસે એફએસએલના અધિકારી પાસે ખરાઇ કરાવતા તે ગૌમાંસ હોવાનું તેમજ ચામડું પણ ગાયનું હોવાનું જણાવ્યું હતું. જેનું વજન કરતા ગૌમાંસ 50 કિલો અને 10 કિલો ચામડું હોવાનું જાણવા મળ્યું હતું.
આમ હિન્દૂ ધર્મની લાગણી દુભાય તેવી રીતે ગૌમાંસ અને ચામડાની હેરાફેરી કરતા કલ્પેશ બગડા પકડાયો હોય કોઠારીયા મેઈન રોડ રણુજાનગરમાં રહેતા ગૌરક્ષક કુપાલ મુકેશભાઇ ગાલોરિયાએ ફરિયાદ નોંધાવતા કુવાડવા પોલીસે પ્રાણીઓની સાચવણી અંગેના અધિનિયમની કલમ 295(ક) હેઠળ ગુનો નોંધ્યો છે.તેઓ આઠેક મહિનાથી આ સેવામાં જોડાયેલા છે.ગઈકાલે તેઓ ગૌ-રક્ષકો જયેન્દ્રભાઇ અનીલભાઇ ચંદવાણીયા, ભાવીનભાઇ ધનશ્યામભાઇ ઘીયાડ,વિરલભાઇ શૈલેષભાઇ દોશી,નીલેશભાઇ જયસુખભાઇ રાઠોડ અને ધનરાજગિરી ભરતગીરી ગૌસ્વામી એમ બધા માલિયાસણ ચોકડી પાસે હતા ત્યારે બાતમીને આધારે પોલીસને સાથે રાખી વોચ છકડો રિક્ષાચાલક કલ્પેશ બગડાને પકડી લીધો હતી. તેની પૂછપરછ કરતા તેને કોલ મળ્યો હોય
તે મૃત પશુને લઇને જતો હોવાનું રટણ રટ્યું હતું.જોકે,તેને ગૌ માંસ અને ચામડા અંગે કાંઈ ન બોલતા પોલીસે તે અંગે પૂછપરછ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, મૃત પશુઓને સોખડા પાસે દાટી દઇ તેનો નિકાલ કરવાનો મહાનગરપાલિકા દ્વારા અગાઉ નિર્ણય કરાયો છે, પરંતુ કેટલાક લેભાગુ તત્ત્વો મૃત ગાયોનું ચામડું, માંસ કાઢી લઇ તેનું વેચાણ કરી કાળો કારોબાર ચલાવતા હોવાનું પણ અગાઉ પ્રકાશમાં આવ્યું હતું.