રાજકોટ,તા.24 : રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ રાજકોટ ડિવિઝનના ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર (Dy.CTI) કે.ડી. ઓઝાએ યોગ્ય ટિકિટ વિના મુસાફરી કરતા અને બુક કરાવ્યા વગરનો સામાન વહન કરતા મુસાફરો પાસેથી દંડના રૂપમાં એક કરોડ રૂપિયાથી વધુની આવક એકત્ર કરવાની ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી છે.
રાજકોટ ડિવિઝન ના ડેપ્યુટી મુખ્ય ટિકિટ નિરીક્ષક કે.ડી. ઓઝાએ ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ફેબ્રુઆરી 2023 સુધીમાં 14,928 કેસમાંથી દંડ તરીકે રૂ. 1.13 કરોડની આવક મેળવી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર પશ્ચિમ રેલવેમાં ટિકિટ ચેકિંગમાંથી રૂ. 1 કરોડથી વધુની આવક મેળવનાર માત્ર બે જ TTE છે, જેમાં પ્રથમ સ્થાન રાજકોટ ડિવિઝનના કે.ડી. ઓઝાએ હાસિલ કર્યું છે જે રાજકોટ ડિવિઝન માટે ગૌરવની વાત છે. રાજકોટ ડીવીઝન ના ડીવીઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન, સીનીયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીના અને આસીસ્ટન્ટ કોમર્શીયલ મેનેજર વી. ચંદ્રશેખર દ્વારા ટીકીટ ચેકીંગ સ્ટાફ કે.ડી. ઓઝા ને આ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિવિઝને એપ્રિલ, 2022 થી ફેબ્રુઆરી, 2023 ના સમયગાળા દરમિયાન નોંધાયેલા 1.49 લાખ કેસમાંથી ટિકિટ ચેકિંગની આવક તરીકે રૂ. 11.72 કરોડની કમાણી કરી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 113.11% વધુ છે. સુનિલ કુમાર મીનાએ વધુમાં સમજાવ્યું કે ટિકિટ તપાસનારને માત્ર વાસ્તવિક મુસાફરોમાં ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરોને શોધવા માટે જ નહીં પરંતુ આવા મુસાફરો પાસેથી દંડની રકમ વસૂલવા માટે નિયમોનું જ્ઞાન અને દંડ ભરવા માટે મુસાફરોને સમજાવવા માટે ની કુશળતા અને ચતુરાઇ પણ જરૂરી છે.રેલવે તંત્રે તમામ રેલવે મુસાફરોને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા માટે અનુરોધ કરે છે.