રાજકોટ, તા.25 : સરકાર દ્વારા રાજ્યની દરેક જેલનું ‘સરપ્રાઈઝ ચેકિંગ’ કરવાનો આદેશ છૂટતાં જ રાજકોટ પોલીસ સજ્જ બની ગઈ હતી. એડિશનલ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયા, ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ, એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયા ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, એલ.એલ.ચાવડા, બી.ટી.ગોહિલ, એસઓજી પીઆઈ જે.ડી.ઝાલા તેમજ અન્ય પોલીસ મથકના પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના 500થી વધુના કાફલાએ ચેકિંગ શરૂ કરી દીધું હતું.
આ ચેકિંગ વહેલી સવારે સાત વાગ્યા સુધી ચાલ્યું હોવાનું ધ્યાન પર આવી રહ્યું છે ત્યારે રાજકોટની જેલમાંથી કશું જ વાંધાજનક નહીં મળ્યું હોવાનું અધિકારીઓએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જાહેર કર્યું છે. હવે પોલીસ સર્ચ ઓપરેશનનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરીને ગૃહ વિભાગને મોકલશે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ચેકિંગનો મેસેજ મળ્યા બાદ તમામ સ્ટાફને તૈયાર થઈ જવા કહેવાયું હતું અને અડધો કલાકની અંદર એક નિશ્ર્ચિત પોઈન્ટ પર સૌને એકઠા કરાયા હતા. 500થી વધુ સ્ટાફ એકઠો થતાંની સાથે જ વાહનોનો કાફલો જેલની અંદર પ્રવેશ્યો હતો અને વારાફરતી તમામ બેરેકનું ચેકિંગ શરૂ કર્યું હતું. રાજકોટની મધ્યસ્થ જેલમાં 2056 કેદીઓ સજા ભોગવી રહ્યા છે જેમાં 100 જેટલા મહિલા કેદીનો પણ સમાવેશ થાય છે. આવી જ રીતે 56 જેટલી બેરેક આવેલી છે જે દરેકનું પોલીસ ટીમે બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
ખાસ કરીને પોલીસે સ્નીફર ડૉગની પણ મદદ લીધી હતી કેમ કે કોઈ કેદીએ ચરસ-ગાંજો-અફીણ કે ડ્રગ્સ છુપાવ્યું હોય તો તેને શોધી કાઢવાનું કામ આ ડોગ કરતો હોય છે. આ ઉપરાંત કેદીઓના ગાદલા-ગોદડા-ઓશીકાનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું તો બારી, બારણા તેમજ ટોયલેટ-બાથરૂમને પણ ચેક કરવામાં આવ્યા હતા. આ ચેકિંગ રાત્રે નવ વાગ્યે શરૂ થયા બાદ સવારે સાત વાગ્યા સુધી ચાલ્યું હતું. જો કે કોઈ જ પ્રકારની વાંધાજનક વસ્તુ પોલીસ ચેકિંગમાં નહીં મળી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટના તમામ સ્ટાફને રેલવે સ્ટેશને એકઠો કરાયો: કોઈને લાગ્યું હોટેલ ચેકિંગ કરવાનું હશે તો કોઈને ટ્રાફિક ડ્રાઈવના ભણકારા વાગ્યા’તા !
રાજકોટની જેલમાં ચેકિંગ કરવાનો આદેશ ગાંધીનગરથી છૂટ્યા બાદ છેવટ સુધી ચેકિંગમાં જનારા સ્ટાફને આખરે શું કરવાનું છે તે અંગે જાણકારી અપાઈ ન્હોતી. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઈમ સહિતના સ્ટાફના મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યા હતા અને તમામને રેલવે સ્ટેશન પાસે એકઠા થવા કહેવાયા બાદ ત્યાં એકઠા થયેલા સ્ટાફને એમ લાગ્યું કે રેલવે સ્ટેશનનું ચેકિંગ કરવાનું હશે. આ ઉપરાંત કોઈને એમ લાગ્યું કે હોટેલનું સાગમટે ચેકિંગ કરવાનું હશે તો વળી કોઈ એવી કલ્પના કરવા લાગ્યું હતું કે મોટાપાયે ટ્રાફિક ડ્રાઈવ ચલાવવાની હશે. જો કે અંતે તમામને જેલના ચેકિંગની જાણ થતાં જ એક સાથે કાર્યવાહીનો ધમધમાટ કરવામાં આવ્યો હતો.