મારા ભાઈએ આપઘાત નથી કર્યો, હત્યા થઈ છે : જ્યાં સુધી ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ

25 March 2023 04:48 PM
Rajkot
  • મારા ભાઈએ આપઘાત નથી કર્યો, હત્યા થઈ છે : જ્યાં સુધી ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ
  • મારા ભાઈએ આપઘાત નથી કર્યો, હત્યા થઈ છે : જ્યાં સુધી ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ
  • મારા ભાઈએ આપઘાત નથી કર્યો, હત્યા થઈ છે : જ્યાં સુધી ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ
  • મારા ભાઈએ આપઘાત નથી કર્યો, હત્યા થઈ છે : જ્યાં સુધી ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ

♦ સરકાર અત્યારે સીબીઆઈનો બેફામ ઉપયોગ કરીને અધિકારીઓને યેનકેન પ્રકારે રંજાડી રહી છે તે સિલસિલામાં ભાઈનો ભોગ લેવાયાનો આરોપ: મૃતકે દોડીને નહીં બલ્કે ધક્કો મારી દેવાયાની ભાઈએ કરેલી વાત

♦ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આ મામલે ઝંપલાવે તેવી માંગણી: કેન્દ્ર-રાજ્ય સરકારને ઘટના માટે જવાબદાર ગણાવતો બિશ્નોઈ સમાજ

♦ રાજસ્થાન કોંગ્રેસના નેતા અને મોતને ભેટેલા ડીજીએફટીના ડાયરેક્ટરના ભાઈ સંજય બિશ્નોઈનો ચોંકાવનારો આક્ષેપ: જ્વરીમલની ધરપકડ થઈ છે તેની અમને કોઈ જ જાણ ન્હોતી કરાઈ કે ન તો અમને તેમની સાથે આવું બન્યાની જાણ થઈ: મીડિયાના માધ્યમથી બનાવ અંગે માહિતી મળ્યાનો દાવો

રાજકોટ, તા.25
ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના જોઈન્ટ ડિરેક્ટર જ્વરીમલ બિશ્નોઈએ આજે સવારના અરસામાં ગીરનાર સિનેમા પાસે આવેલી પોતાની કચેરીના ચોથા માળેથી ઝંપલાવી દેતાં મોત નિપજવાના બનાવમાં મૃતકના ભાઈએ એક એકથી ચોંકાવનારા આક્ષેપો કરતાં મામલામાં નવો વળાંક આવ્યો છે. મૃતક જ્વરીમલ બિશ્નોઈના ભાઈ અને રાજસ્થાન કોંગ્રેસના યુવા નેતા સંજય બિશ્નોઈએ એવો આક્ષેપ કર્યો છે કે તેમના ભાઈએ આપઘાત નથી કર્યો પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. આ મામલે જ્યાં સુધી હત્યાનો ગુનો નહીં નોંધાય ત્યાં સુધી એમ લાશ નહીં સ્વીકારીએ. સરકારના ઈશારે જ મારા ભાઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે એટલા માટે જ્યાં સુધી આ મામલે વ્યવસ્થિત ર્કાવાહી નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટશું નહીં.

સંજય બિશ્નોઈએ જણાવ્યું કે, જ્વરીમલની સીબીઆઈ દ્વારા લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવાની અમને કોઈ જ પ્રકારની જાણકારી આપવામાં આવી ન્હોતી. આ ઉપરાંત તેમણે આજે આ પ્રકારનું પગલું ભરી લીધું છે તેની માહિતી પણ અમારી પાસે ન્હોતી. અમને મીડિયાના માધ્યમથી આ સઘળી માહિતી મળતાં જ હું રાજકોટ દોડી આવ્યો છું.

તેમણે એવો આક્ષેપ પણ કર્યો કે, સરકાર દ્વારા સીબીઆઈ અને ઈડીનો બેફામ ઉપયોગ કરીને અધિકારીઓને રંજાડી રહી છે તે સિલસિલામાં જ આ બનાવને અંજામ આપવામાં આવ્યો છે. મારા ભાઈએ પૂરા ખંતથી નોકરી કરી છે ત્યારે તેઓ લાંચ સ્વીકારે તે વાત ગળે ઉતરે તેવી જ નથી. આજે અમને રાજકોટથી એવી જાણકારી આપી દેવામાં આવી કે તમારા ભાઈનું મૃત્યુ થયું છે એટલે તમે આવીને તેમનો મૃતદેહ જોઈ લ્યો કે તેમને ક્યાં ક્યાં ઈજા થઈ છે ? જો કે અમને હવે અહીંના તંત્ર કે સરકાર ઉપર બિલકુલ ભરોસો ન હોવાથી દિલ્હીથી ડૉક્ટરોની ટીમ આવીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ જે નિષ્કર્ષ ઉપર પહોંચશે તે જ અમને માન્ય ગણાશે. સંજય બિશ્નોએ તો એવો પણ આક્ષેપ કર્યો કે તેના ભાઈ જ્વરીમલે દોડીને બારીમાંથી કૂદકો નથી માર્યો પરંતુ તેમને ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

હવે આ મામલે હું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ ઘટનાની સચોટ તપાસ થાય અને તેઓ ખુદ અહીં આવીને મામલામાં રસ લ્યે તેવી માંગણી કરીશ કેમ કે મૃતક અધિકારી પણ રાજસ્થાનના છે અને હું પણ રાજસ્થાન કોંગ્રેસનો યુવા નેતા છું. બીજી બાજુ આ ઘટના ગુજરાતમાં બની છે જ્યાં ભાજપનું શાસન છે એટલા માટે ભાજપના ઈશારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી પણ અમને શંકા જઈ રહી છે.

17 વર્ષીય પુત્ર આદિત્યએ કાકા સંજયને પિતાની સીબીઆઈએ ધરપકડ કરી હોવાની જાણ કરી’ને મામલો થયો ઉજાગર
પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે મૃતક જ્વરીમલ બિશ્નોઈને 17 વર્ષનો પુત્ર આદિત્ય અને 14 વર્ષની પુત્રી આરઝુ છે. ગત સાંજે જ્યારે સીબીઆઈની ટીમ જ્વરીમલના રૈયારોડ પર આવેલા સોપાન હાઈટસ ‘બી’ વિંગમાં 201 નંબરના ફ્લેટમાં પહોંચી ત્યારે પુત્ર આદિત્યએ તેના કાકા સંજય બિશ્નોઈને ફોન કરીને પિતાની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની જાણ કરી હતી જે પછી આ સમગ્ર મામલો ઉજાગર થયો હતો.

મૃતક જ્વરિમલના એક ભાઈ દિલ્હીમાં વકીલ, બીજા ભાઈ રાજકારણી તો ત્રીજા ભાઈ ધંધાદારી
ડીજીએફટીના જોઈન્ટ ડાયરેક્ટર અને આજે સવારે મૃત્યુને ભેટનારા જ્વરિમલ બિશ્નોઈના ભાઈ પારસમલ બિશ્નોઈ કે જેઓ દિલ્હીમાં વકીલ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેમના બીજા ભાઈ સંજય બિશ્નોઈ કે જેઓ રાજસ્થાન કોંગ્રેસના યુવા નેતા છે. આવી જ રીતે તેમના ત્રીજા ભાઈ રામ સ્વરૂપ ધંધાદારી હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ ઉપરાંત તેમને પરિવારમાં ચાર બહેન છે.

મૃતક જ્વરીમલ બિશ્નોઈ 2008ના આઈએએસ ઑફિસર
જાણવા મળ્યા પ્રમાણે જ્વરીમલ બંસીલાલ બિશ્નોઈ યુપીએસસી પરીક્ષા પાસ કરીને 2008માં આઈએએસ અધિકારી બન્યા હતા જે પછી પ્રથમથી જ ફોરેન ટ્રેડિંગ વિભાગમાં આઈટીએસ અધિકારી તરીકે જુદી જુદી પોસ્ટ ઉપર કાર્યરત હતા. રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, ચેન્નાઈ ખાતે ફરજ બજાવી ગુજરાતમાં એક દોઢ વર્ષ રાજકોટ ઑફિસે મુકાયા હતા.

મારા ભાઈ એકદમ પ્રમાણિક હતા, સરકાર સર્વિસ રેકોર્ડ જોઈ લ્યે
આપઘાત કરનાર જ્વરિમલ બિશ્નોઈના ભાઈ સંજયે જણાવ્યું કે મારા ભાઈ એકદમ પ્રમાણિત હતા, સરકારે તેમનો સર્વિસ રેકોર્ડ જોવો જોઈએ. તેમણે વગર રજાએ કામ કરતા હતા અને તેઓ કામગીરીને જ મહત્ત્વ આપી રહ્યા હતા. તેમને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે.


Related News

Advertisement
Advertisement