♦ અમેરિકાની યુનિવર્સિટીના સંશોધકોના સંશોધનમાં ખુલાસો
વોશિંગ્ટન (અમેરિકા) તા.28
સંગીતની માનવ જીવન પર મોટી અસર છે. પ્રકૃતિમાં પણ સંગીત છે પંખીઓનો કલરવ કે હવાની લહેરોમાં પર્ણોનો ધ્વનિ કે ખળખળ વહેતી નદીમાં પણ એક સંગીત હોય છે. જે મનને આનંદથી વિભોર કરી દે છે. માણસે સર્જેલી અનેક એવી ધૂનો અને ગીતો સમાધિનો અનુભવ કરાવે છે. સંગીતથી માત્ર આપણો મૂડ સારો નથી બનતો પરંતુ તે રોગમાં દવાનું કામ પણ કરે છે, અનેક દર્દોમાં રાહત પણ આપે છે. અમેરિકામાં થયેલા એક અધ્યયનમાં આ વાત બહાર આવી છે.
મિશગન સ્ટેટ વિશ્વ વિદ્યાલયવના એક સંશોધકે જણાવ્યું હતું કે, પસંદગીનું ગીત સાંભળવાથી માનસિક રીતે રાહત મળે છે. સંગીત થેરાપી દવાઓની અસરને વધારે છે. કોલેજ ઓફ નર્સીંગના સહાયક પ્રોફેસર જેસન કિરનેને જણાવ્યું હતું કે સંગીત સાંભળવું ઓવર ધી કાઉન્ટર દવા જેવું જ છે, આપે તેને લેવા માટે ડોકટરની જરૂર નથી પડતી.
આ અધ્યયનના નિષ્કર્ષને કિલનિકલ નર્સિંગ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત કરાયો છે. સંગીતની અસરને સમજવા માટે વૈજ્ઞાનિકોએ કિમોથેરાપી ઉપચારના દોરમાં પસાર થઈ રહેલા 120 દર્દીઓને સામેલ કરાયા હતા, જે 30 મિનિટ માટે પોતાનું પસંદગીનું સંગીસ સાંભળવા સહમત થયા હતા.
10 મિનિટ સંગીત સાંભળવું પણ ફાયદાકારક
સંશોધક કિરનેને જણાવ્યું હતું કે આ અભ્યાસ રસપ્રદ હતો કારણ કે તે એક ન્યુરોકેમિકલ સ્પષ્ટીકરણ કરે છે અને સેરોટોનિનને માપવાની એક સંભવિત પધ્ધતિ આપે છે. અભ્યાસમાં સેરોટોમિનની રકત પ્લેટલેટને પણ માપવામાં આવી હતી. તે અનુસાર જો 10 મિનિટ સુધી પણ પસંદગીનું સંગીત સાંભળવામાં આવે તો દવાની અસરમાં વધારો થઈ શકે છે.