(ડોલરરાય રાવલ)જામનગર તા.28: મનગરના બહુચર્ચિત સત્તાધિશો અને રાજેતાઓના કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપવાળા જમીન હેતુફેરનું પ્રકરણ ધારણા મુજબ ગુજરાત હાકોર્ટમાં પહોંચ્યું છે. આ અંગે દાખલ થયેલ કેસમાં હાઇકોર્ટ દ્વારા જામનગરના જિલ્લાના કલેકટર, જિલ્લા પંચાયતના પ્રમુખ, જાડાના તત્કાલિન ચેરમેન કમ મ્યુનિસિપલ કમિશ્નર વિજયકુમાર ખરાડી તેમજ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન મનિષ કટારીયા સહિતના પ્રતિવાદીઓ સામે નોટીસ ઇસ્યુ કરી આગળની સુનાવણી 6 એપ્રિલના મુકરર કરી છે. આ અંગેની વિગત એવી છે કે,
ઉપસરપંચ અને અગાઉ જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠકના સદસ્ય રહી ચુકેલા ભાવનાબેન જયંતિભા દુધાગરાએ સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં.5267/2023 ગત તા.20 માર્ચ-2023ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. આ અરજીની પ્રથમ સુનાવણી 27 માર્ચ-2023 (સોમવાર)ના રોજ જસ્ટીસ નિર્ઝર એસ.દેસાઇ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. પિટીશ્નર ભાવનાબેન વતી તેમના ધારાશાસ્ત્રી બી.એમ.માંગુકીયા અને બેલાબેન પ્રજાપતિએ આ કેસમાં પ્રતિવાદી તરીકે સ્થાનિક ઓથોરીટીના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ, રહેણાક હેતુની જમીનને ઔદ્યોગિક હેતુમાં ફેરવનાર જમીન માલિકો તથા આ પ્રક્રિયા સાથે સંબંધ ધરાવતા જિલ્લા પંચાયતના પ્રમુખ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનને સાંકળી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. ગુજરાત હાઇકોર્ટમાં થયેલ આ દિવાની અરજીમાં એવી ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી છે
કે જામનગર શહેરના છેડે આવેલી દરેડ ગ્રામ પંચાયતની હદમાં આવતી જમીનનો હેતુ રહેણાંકમાંથી ઔદ્યોગિક કરવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક કક્ષાએ વાંધા લેખિતમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમ છતા ગેરકાયદે રીતે અને સરકારના પરિપત્ર તેમજ કાયદાની વિરૂધ્ધ જઇ હેતુફેર મંજૂર કરાયો છે જે ગેરવહિવટનો પુરાવો છે. વાંધેદારોએ પુરાવા રજૂ કરવા છતા તંત્ર અને સત્તાધિશોએ ધ્યાન લીધા નથી. આ કારણે જાહેરહીતમાં રહેણાંક વિસ્તારના અસંખ્ય લોકોની શાંતિ છિનવી લેવાઇ હોવાથી અને પ્રદુષણ સહન કરવું પડશે તેવી સ્થિતિ ઉભી થઇ હોવાથી ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા 27 માર્ચના રોજ આ કેસમાં આગળની સુનાવણી તા.6 એપ્રિલ-2023ના રોજ કરવાનો આદેશ કર્યો છે એટલું જ નહી પરંતુ આ પ્રક્રિયા માટે જવાબદાર ગણી પ્રતિવાદી તરીકે જેને જોડવામાં આવ્યા છે તે તમામ સામે નોટીસ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો હતો. જેને પગલે સમગ્ર હાલારમાં આ પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે.
ઉચ્ચ અધિકારીઓ પણ બન્યા પ્રતિવાદી...!!
જમીનના હેતુફેરના બહુચર્ચિત આ પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટમાં દરેડ ગ્રામ પંચાયતના વર્તમાન ઉપસરપંચ અને જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠકના ભૂતપૂર્વ સભ્ય ભાવનાબેન જયંતિભાઇ દુધાગરાએ કરેલ દાવામાં પ્રતિવાદી તરીકે જેને જવાબદાર ગણી જોડવામાં આવ્યા છે
તેમાં જામનગરના જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ (જાડા)ના તે સમયના ચેરમેન અને મ્યુનિ.કમિશ્નર વિજયકુમાર ખરાડી, જાડાના ચીફ એકઝીકયુટીવ ઓફિસર જે.ડી.ગઢવી, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન મનિષ પી.કટારીયા, જામનગર મહાનગરપાલિકા, બિલ્ડર અશ્વિન વિરાણી, હમીરકા, યુનિટ બ્રાસ ડેવલોપર્સના મનસુખભાઇ, વ્રૃજ ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રોમટર્સ, રાજયના ચીફ ટાઉન પ્લાનર, ડેપ્યુટી ઓથોરિટી ઇમરાનભાઇ વિગેરેનો સમાવેશ થાય છે.
વિધાનસભાની ચૂંટણી ટાણે જ કમઠાણ કરી લેવાયું
વિવાદ થયો અને જાડાએ જયારે અબજોની જમીનના હેતુફેરની દરખાસ્ત મંજૂર કરવાની હિંમત કરી નહીં પરંતુ જમીનના સોદાગરોએ ભાજપના સ્થાનિક અને ગાંધીનગરના ગોડફાધર સાથે વ્યવસ્થિત ગોઠવણ કરી લેતા એવી ખાત્રી અપાઇ હતી કે વિધાનસભાની ચૂંટણી સુધી રાહ જુઓ અને એમ જ થયું.
તંત્ર રાજકીય પક્ષો, વિરોધપક્ષ અને મિડિયા બધા ચૂંટણીને લગતી કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે તેનો ગેરલાભ લઇ સમગ્ર પ્રકરણને મંજૂર કરી ગેજેટમાં પણ પ્રસિધ્ધિ કરી દેવામાં આવ્યું હતું અને આમ કરીને કરોડોનો ભ્રષ્ટાચાર ચૂંટણી ટાંણે અધિકારીઓ ઉપરાંત ભાજપના કેટલાક નેતાઓએ કુલડીમાં ગોળ ભાંગી સંયુકત સાહસ કરી લીધાની ચર્ચાએ જોર પકડયું હતું.
હેતુફેરનો મામલો શું છે ?
જામનગર પંથકની અનેક વિઘા જમીન ખેતીની હતી તે રહેણાંક ઝોનમાં તબદિલ થઇ શકે છે પરંતુ જમીનના કેટલાક સોદાગરોએ મોટી મલાઇ તારવવા રહેણાંકને બદલે ઔદ્યોગિક ઝોનમાં તબદીલ કરવાનો ખેલ પાડયો હતો. એક વર્ષ અગાઉ જાડાની બેઠકમાં વિવાદ થતા આ દરખાસ્ત રદ કરવાનો નિર્ણય કરાયો હતો અને સેટીંગબાજોએ ગાંધીનગરના ગોડફાધરની સુચના મુજબ 6 માસ પ્રકરણ અભેરાઇએ ચડાવી દિધુ હતું.
જો હાઇકોર્ટમાં હેતુફેરનો કેસ વાદી જીતે તો જમીન ખરીદનારાઓનું પણ આવી બને
ગુજરાત હાઇકોર્ટમાં પહોંચેલ આ અતિ ચકચારી જમીન હેતુફેર કેસમાં વાદીનો કેસ સાબિત થાય અને તેની તરફેણમાં ચુકાદો આવે તો જમીનના સોદાગરોને તો નફામાં નુકશાની થાય પરંતુ મોટી નુકશાની જમીન ખરીદનાર અને ખરીદીના કરાર કરનારને પણ તકલીફ પડી શકે અને સોદા ફોક કરવા પડે તેમ છે. એવું પણ બની શકે કે ફરી આ જમીનને રહેણાંક હેતુમાં રાખવી પડે.
સુરતવાળી થાય તો અધિકારીઓ ઉપર તવાઇ
સુરતમાં ટી.પી.સ્કીમની જમીનોમાં ગોબાચારીના મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવી કમિશ્ર્નર સહિતના અધિકારીઓ ઉપર તવાઇ આવી હતી અને ખોટું કરનારાને સસ્પેન્ડ કરવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યો હતો. આવું જો જામનગરના કેસમાં થાય તો કલેકટર, કમિશ્ર્નર, જાડાના ચેરમેન-એકઝીકયુટીવ અધિકારી ઉપર પણ કાયદાની ગાજ આવી શકે છે.