નવીદિલ્હી, તા.29
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આ વખતે આઈપીએલમાં જીપીએસ ડિવાઈસની મદદથી ખેલાડીઓની ફિટનેસ ઉપર નજર રાખશે. તમામ ખેલાડીઓને પ્રેક્ટિસ અને મેચ દરમિયાન આ ડિવાઈસને પહેરવું પડશે. આ ડિવાઈસ ખેલાડીની ફિટનેસ સાથે જોડાયેલી અંદાજે 500 અલગ-અલગ પ્રકારની માહિતી આપશે.
આ માહિતીમાં ખેલાડીઓનું એનર્જી લેવલ, નક્કી કરાયેલું અંતર, સ્પીડ, બ્રેકડાઉનના ખતરા, હાર્ટબીટ, બ્લડપ્રેશર સહિતનો સમાવેશ થાય છે. આ ડિવાઈસ એ મર્યાદા બતાવવામાં પણ સક્ષમ છે કે જો ખેલાડીને વધુ વર્કલોડ આવશે તો તે ઈજાગ્રસ્ત થઈ શકે છે.
બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું કે, 2018થી વર્કલોડ ડિવાઈસ પર કામ ચાલી રહ્યું હતું. બોર્ડે તેના ઉપયોગને 2018માં જ મંજૂરી આપી હતી ત્યારે પહેલીવાર આઈપીએલમાં તેનો ઉપયોગ કરાશે. આ ડિવાઈસનો ઉપયોગ વિમેન્સ પ્રિમીયર લીગમાં પ્રયોગાત્મક રીતે કરવામાં આવ્યો હતો જેના ઉજળા પરિણામો મળ્યા છે.
આમ થવાથી ટીમોને પણ ફાયદો થયો અને તેણે પોતાના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે કર્યો હતો. આ પછી હવે આ ડિવાઈસને આઈપીએલમાં ઉપયોગ માટે લીલીઝંડી આપી દેવામાં આવી છે.
વર્કલોડ પર નજર રાખનારી ડિવાઈસનો ઉપયોગ ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો પણ કરી રહી છે. ભારતમાં તેનો ઉપયોગ દેશની નેશનલ હૉકી ટીમના ખેલાડી પણ કરે છે. આ ડિવાઈસનો ઉપયોગ કરવાનું સૌથી મોટું કારણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ છે જેમાં મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ અને તેમાં ખાસ કરીને ફાસ્ટ બોલરોને બચાવવાની દૃષ્ટિએ કરવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયા અત્યારે પોતાના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓની ઈજા સામે ઝઝૂમી રહી છે.