નવીદિલ્હી, તા.29
લિયોનેલ મેસ્સી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલો થનારી હસ્તીઓમાં ત્રીજા નંબરે છે. જ્યારે સઉદી અરબના ફૂટબોલ ક્લબ અલ-નસ્રના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ મામલે બીજા નંબરે છે. લિયોનલ મેસ્સીએ પાછલા વર્ષે ફીફા વર્લ્ડકપમાં પોતાના દેશ આર્જેન્ટીનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નીભાવી છે. સ્પષ્ટ રીતે તેના ચાહકવર્ગમાં વધારો થવો જોઈએ પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મેસ્સીના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા ઓછી થઈ ગઈ છે.
મેસ્સીના ઈન્સ્ટાગ્રામ ઉપર 57 લાખ ફોલોઅર્સ ઘટી ગયા છે. મેસ્સીના અત્યારે ઈન્સ્ટાગ્રામ ઉપર 44.7 કરોડ ફોલોઅર્સ છે. જ્યારે રોનાલ્ડોના ફોલોઅર્સની સંખ્યા 56.7 કરોડ છે. એટલું જ નહીં વર્લ્ડકપ-2022નો ફાઈનલ રમનારી ફ્રાન્સના પ્રતિભાશાળી ખેલાડી કિલિયન એમ્બાપ્પેએ પણ ઈન્સ્ટાગ્રામ ઉપર અઢી લાખ ફોલોઅર્સ ગુમાવી દીધા છે તો રોનાલ્ડોના ફોલોઅર્સમાં દોઢ કરોડનો વધારો થયો છે.
આ ઘટાડા પાછળ મેસ્સી અને એમ્બાપ્પે જ જવાબદાર છે. બન્ને પીએસજી (પેરિસ સેન્ટ જર્મેન) ફૂટબોલ ક્લબ માટે રમે છે. પેરિસ સેન્ટ જર્મેનને તાજેતરમાં જ ચેમ્પિયન્સ લીગના રાઉન્ડ-16માં બાયર્ન મ્યુનિખ વિરુદ્ધ પરાજય સહન કરવો પડ્યો હતો. પેરિસ સેન્ટ જર્મેનના ચાહકો આ હાર માટે કદાચ મેસ્સી-એમ્બાપ્પેને જવાબદાર માને છે એટલા માટે જ બન્નેના ચાહક વર્ગમાં ઘટાડો આવ્યો છે. જ્યારે રોનાલ્ડોની ટીમ અલ નસ્ર સઉદી પ્રો-લીગના પોઈન્ટ ટેબલમાં 21માંથી 15 મેચ જીતીને બીજા નંબરે છે.