► અમે ઓસ્કાર ખરીદ્યો એ જોક છે, ફિલ્મે ચમત્કાર સર્જયો છે, લોકો અને સ્ટીવન સ્પીલબર્ગ, જેમ્સ કેમરોને પણ ફિલ્મને પ્રેમ કર્યો છે: કાર્થિકેયા
મુંબઈ: ‘આરઆરઆર’ ફિલ્મે સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે પરંતુ આ ફિલ્મે ઓસ્કાર એવોર્ડ જીતવા જબ્બર કેમ્પેન ચલાવેલુ અને તેના માટે 80 કરોડ રૂપિયાનો ખર્ચ મેકર્સે કર્યાના આરોપો અન્ય ફિલ્મ મેકર થેમ્મા રેડ્ડી ભારદ્વાજે લગાવતા વિવાદ જાગ્યો છે. આ આરોપોનું ખંડન કરતા ફિલ્મના ડાયરેકટર એસ.એસ.રાજામૌલીના પુત્ર એસ.એસ.કાર્થિકેયાએ ખુલાસો કર્યો છે કે ઓસ્કાર માટે ફિલ્મના પ્રમોશનમાં 8.5 કરોડ રૂપિયા વપરાયા છે.
થેમ્મા રેડ્ડીના આક્ષેપોએ વિવાદ જગાવ્યો હતો. કાર્થિકેયાએ જણાવ્યું હતું કે અન્ય નોમીનીઓની જેમ અને વિશાળ સ્ટુડીયોનું પીઠબળ નહોતું, અમારે આ ખર્ચ અમારા ખિસ્સામાંથી કરવો પડયો હતો. અમારો શરૂઆતનો પ્લાન ફિલ્મના ઓસ્કાર માટેના કેમ્પેઈન માટે 5 કરોડ ખર્ચવાનો હતો. અમે કેમ્પેનને ત્રણ ભાગમાં વહેંચી નાખ્યુ હતું અને દરેક ભાગમાં 2.5 કરોડથી 3 કરોડ ખર્ચવાની યોજના હતી.
કાર્થિકેયાએ જણાવ્યું હતું કે, આ ખર્ચ સોશિયલ મીડીયા કેમ્પેન્સ ઈ-મેલ પેપર એડવર્ટાઈઝીંગ, ન્યુયોર્ક- લોસ એન્જલસમાં પી.આર. ટીમ વગેરે માટે ખર્ચ્યા હતા. સમારોહની કેટલીક ટિકીટો માટે પણ અમારે ખર્ચ કરવો પડેલો.
કાર્થિકેયાએ વ્યંગ કર્યો હતો કે, ‘આરઆરઆર’ એ મોટો ચમત્કાર સર્જયો છે, ઓસ્કાર એવોર્ડ એ કોઈ જોક નથી, આ 95 વર્ષ જુની ક્રેડીબલ ઈન્સ્ટીટયુટ તરફથી મળેલું સન્માન છે તમે કંઈ એમને એમ ઓડીયન્સ કે સ્ટીવન સ્પીલબર્ગ કે જેમ્સ કેમરોન જેવાની પ્રશંસા ન મેળવી શકો.