પાકિસ્તાનની હવા કાઢી નાખતું ભારત: વર્લ્ડકપ રમવા ભારત નહીં આવવાના નિર્ણયને ICCએ ગણાવ્યું ‘હવામાં ફાયરિંગ’ !

30 March 2023 09:39 AM
India Sports World Top News
  • પાકિસ્તાનની હવા કાઢી નાખતું ભારત: વર્લ્ડકપ રમવા ભારત નહીં આવવાના નિર્ણયને ICCએ ગણાવ્યું ‘હવામાં ફાયરિંગ’ !

► વર્લ્ડકપની મેચ ભારતની જગ્યાએ બાંગ્લાદેશમાં રમાશે તેવા PCB ના દાવાની ખૂલી ગઈ પોલ

► ICC એ કહ્યું, પીસીબી પ્રમુખ બાંગ્લાદેશ બોર્ડના પ્રમુખ સાથે ક્યારે વાત કરી આવ્યા તેની અમને ખબર જ નથી

નવીદિલ્હી, તા.30
આઈસીસી વન-ડે વર્લ્ડકપ-2023નું આયોજન ભારતમાં થવાનું છે. આવામાં ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલા રાજકીય તણાવને કારણે પાકિસ્તાને વિશ્વકપના મુકાબલા ભારતની જગ્યાએ બાંગ્લાદેશમાં રમવાની માંગ કરી છે. જો કે આ પ્રકારની તમામ અટકળો ઉપર આઈસીસીએ પૂર્ણવિરામ મુકતા આ માંગને ‘હવામાં ફાયરિંગ’ ગણાવી દીધું છે !

આઈસીસીનો આ જવાબ એ અહેવાલો બાદ આવ્યો છે જેમાં કહેવાયું હતું કે, તાજેતરમાં જ દુબઈમાં આઈસીસી બોર્ડની બેઠક દરમિયાન પાકિસ્તાનના લીગ મુકાબલા બાંગ્લાદેશમાં રમવાને લઈને ચર્ચા થઈ હતી.

આઈસીસી બોર્ડના એક સૂત્રએ જણાવ્યું કે, કોઈ નથી જાણતું કે પીસીબી પ્રમુખ નઝમ સેઠીએ બાંગ્લાદેશના સમકક્ષ નઝમુલ હસન પાપોન સાથે કોઈ અનૌપચારિક ચર્ચા કરી છે કે નહીં પરંતુ એ વાત નિશ્ચિત રીતે કહી શકાય કે સત્તાવાર રીતે આ પ્રકારની કોઈ જ ચર્ચા થઈ નથી કે પાકિસ્તાન બાંગ્લાદેશમાં રમશે. સૂત્રએ જણાવ્યું કે વિઝા હાંસલ કરવો એક એવો મુદ્દો હતો જેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને બીસીસીઆઈએ તમામ પ્રકારની મદદ કરવાનું આશ્ર્વાસન પણ આપ્યું છે.

બીસીસીઆઈએ પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું છે કે, વિઝા હાંસલ કરવામાં કોઈ પ્રકારની સમસ્યા ઉભી થવા દેવાશે નહીં. એક મેજબાન દેશ માટે મુખ્ય વાત એ છે કે ભાગ લેનારા દરેક દેશોને સમયસર વિઝા મળી શકે. આઈસીસી તરફથી અત્યાર સુધી બાંગ્લાદેશને સહ મેજબાન તરીકે પસંદ કરવામાં આવ્યું નથી. બોર્ડના સભ્યએ એમ પણ કહ્યું કે માની લો કે પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચે છે અથવા તો ફાઈનલમાં પહોંચે છે તો શું તેઓ એવું ઈચ્છે છે કે મહત્ત્વના આ મુકાબલા ભારતની જગ્યાએ બાંગ્લાદેશમાં રમાય ?

બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓ સમજે છે કે, પીસીબી પાકિસ્તાનમાં સંપૂર્ણ એશિયા કપની મેજબાની કરવાનું દબાણ બનાવવા માટે આવું કરી રહ્યું છે જેને એક વ્યાવહારિક સમાધાનના રૂપમાં જોઈ શકાય તેમ નથી.

બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે, અમે સમજીએ છીએ કે આ એશિયા કપના મુદ્દાને કારણે પીસીબી દ્વારા શરૂ કરવામાં આવેલી એ પ્રકારની દબાણની રણનીતિ છે પરંતુ એશિયા કપ પણ સંયુક્ત અરબ અમીરાત અથવા કતરમાં રમાશે અને પાકિસ્તાને કદાચ પોતાની એક-બે મેચ તેના દેશમાં રમવાની રહેશે. એશિયન ક્રિકેટ પરિષદ (એસીસી)ના પ્રમુખ અને બીસીસીઆઈ સચિવ જય શાહે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત એશિયા કપ માટે પાકિસ્તાન આવી રહ્યું નથી અને આ તટસ્થ સ્થળે આયોજિત કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement