નવીદિલ્હી તા.30 : વીમા નિયામક ઈરડાએ ગ્રાહકોને છેતરપીંડીથી બચાવવા અને દાવાના નિકાલને વધુ સરળ બનાવવા કરવા માટે પોલીસી ખરીદીમાં કેવાયસીને ફરજિયાત કરી દીધી છે. નિયામકે આ સિવાય અનેક ફેરફારો નિયમોમાં કર્યા છે. ઈરડાએ જણાવ્યું છે કે નવા ફેરફાર જીવન વીમા, સ્વાસ્થ્ય વીમા, વાહન વીમા અને આવાસ વીમા સહિત અન્ય વીમા પોલીસી પર પણ લાગુ પડશે. વીમા નિયામકે કંપનીઓને નિર્દેશ આપતા કહ્યું છે કે કેવાયસી દસ્તાવેજો વિના પોલીસી ન વેચે. આ સિવાય મોજૂદ પોલીસીમાં કોઈપણ પ્રકારના ફેરફારથી પણ દૂર રહે. સૂત્રોનું કહેવું છે કે કેટલાક ગ્રાહકોએ પોતાની વીમા કંપની અને વીમા નિયામકને છેતરપિંડીની ફરિયાદ કરી છે.
કેવાયસીના ફાયદા: પોલીસીના ફેરફારના નામે છેતરપીંડી પર અંકુશ આવશે. કલેમ સમયે કંપનીઓ નામ ખોટું હોવાનું બહાનું નહીં કરી શકે. પોલીસી ફોર્મમાં આપેલ વિવરણ અને કેવાયસીમાં કોઈ અંતર પર કંપનીઓ પણ જવાબદાર રહેશે. કલેમ સમયે ગ્રાહકોને ઓછો સમય લાગશે.
માનસિક બીમારીનું કવર પણ કંપનીઓ સામેલ કરે: ઈરડા
નિયામકે એક વધુ મહત્વનું પગલું ઉઠાવતા સ્વાસ્થ્ય વીમા પોલીસી સાથે જોડાયેલી કંપનીઓને કહ્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં સ્વાસ્થ્ય વીમામાં માનસિક બીમારીનું કવર પણ સામેલ કરે. ઈરડાએ કહ્યું હતું કે કંપનીઓ માનસિક વીમા સાથે જોડાયેલા કલેમની મનાઈ ન કરી શકે. આ ઉપરાંત પોલીસી લેતી વખતે ગ્રાહકોએ પણ ગંભીર તપાસ કરવાની સલાહ આપી છે.