♦ હરિદ્વાર, ઋષિકેશ ઉપરાંત અન્ય સ્થળો અને હોટેલોમાં પણ ઓફલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા
દહેરાદૂન, તા.30
ચારધામ યાત્રામાં હવે ઓફલાઈન રજિસ્ટ્રેશનનો વિકલ્પ પણ રહેશે. રજિસ્ટ્રેશન વિના ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ પહોંચનારા શ્રધ્ધાળુઓ માટે ઓફલાઈન સેન્ટર વધારવામાં આવશે. હોટેલોમાં પણ રજિસ્ટ્રેશનની સુવિધા રહેશે, જેથી શ્રધ્ધાળુઓને રજિસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી ન પડે.
ચારધામ યાત્રામાં અનેક શ્રધ્ધાળુઓએ રજિસ્ટ્રેશન વિના જ હોટેલ, હોમ સ્ટેનું બુકીંગ કરાવી લીધું હતું, આ પરિસ્થિતિમાં આ શ્રધ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આવા શ્રધ્ધાળુઓ માટે પણ દર્શનની સુવિધા નિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.
એટલે હવે ચારધામ યાત્રા કરવા આવતા શ્રધ્ધાળુઓ માટે ઓફલાઈન રજિસ્ટ્રેશનનો પણ વિકલ્પ રહેશે. તેના માટે હરિદ્વાર, ઋષિકેશ સહિત અન્ય સ્થળો પર પણ ઓફલાઈન રજિસ્ટ્રેશન કેન્દ્રો ખોલવામાં આવશે. જૂના કેન્દ્રોની સાથે જ નવા ઓફલાઈન રજિસ્ટ્રેશન કેન્દ્ર પણ વધારવામાં આવશે. હોટેલોને પણ રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવશે.
ડીએમ પાસે પણ રહેશે કોટા
ચારધામોમાં કટોકટીની સ્થિતિ માટે સ્થાનિક જિલ્લાધિકારી પાસે પણ વધારાનો કોટા રહેશે. તેનો ઉપયોગ ડીએમ રજિસ્ટ્રેશન વિના પહોંચેલા શ્રધ્ધાળુઓ માટે ખાસ પરિસ્થિતિમાં કરી શકશે. કેટલા શ્રધ્ધાળુઓને સ્પેશિયલ કોટા અંતર્ગત દર્શન કરાવી શકાશે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડીએમ નકકી કરશે.