રાજકોટ તા.30
રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં લગભગ તમામ માર્કેટ યાર્ડોમાં માર્ચ એન્ડીંગના વેકેશન વચ્ચે દરેક અનાજ-કઠોળના ભાવો ભડકયા છે. નવી સીઝન ટાણે જ લોકો પર ભાવ વધારાનો બોજ પડતા દેકારો થવા લાગ્યો છે. માવઠાને કારણે ઉત્પાદનમાં કાપ સહિતના કારણોસર છેલ્લા એકાદ સપ્તાહમાં જ ઘઉં, ચણા, મગ, તુવેર સહીતની ચીજોમાં ભાવ વધારો થયો છે.
રાજકોટ સહિતનાં મોટાભાગનાં માર્કેટ યાર્ડો ગત સોમવારથી બંધ ચે.માર્ચ એન્ડીંગની રજાઓ બાદ આગામી 3જી એપ્રિલથી ફરી ખુલશે. પીઠાઓ બંધ હોવાથી કૃષિ પેદાશોની આવક અટકી છે આ સિવાય ચાલુ મહિનામાં એકથી વધુ વખત માવઠા-કમોસમી વરસાદને કારણે અનેક કૃષિ ચીજોને નુકશાન થયાની તથા ઉત્પાદનમાં કાપ આવવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. ઘઉં,જીરૂ, મગ સહિતની ચીજોનું ઉત્પાદન અગાઉની ધારણા મુજબ નહીં થવાનો અંદાજ છે.
માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહિં પંજાબ, હરીયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના કૃષિ ઉત્પાદન ધરાવતા રાજયોમાં પણ સમાન હાલત થઈ હતી. એટલે પરપ્રાંતની આવક પણ પ્રભાવીત થઈ છે. રાજકોટના અનાજ-કઠોળના વેપારીઓના કહેવા પ્રમાણે ધારણાથી ઓછા પાક, માવઠાથી નુકશાની તથા માલ ખેંચની અસરે છેલ્લા આઠ-દસ દિવસમાં નોંધપાત્ર ભાવ વધારો થયો છે. વિવિધ કૃષિ ચીજોમાં કિલોએ રૂા.4 થી માંડીને રૂા.10 સુધીનો ભાવ વધારો થયો છે.
દેશમાં ઘઉંની ભરસીઝન છે અને બારમાસી ઘરાકી શરૂ થઈ ગઈ છે. હરરાજીમાં 2400-2500 આસપાસનાં ભાવ રહેતા હતા. જોકે હવે સાફ કરેલા-વિણાટ ઘઉંનો ટ્રેન્ડ છે.તેના 2720 થી 3500 ની રેન્જમાં ભાવ રહ્યા છે. સીઝનની શરૂઆત વખતે જ સરકારે 30 લાખ ટન ઘઉંનું વેચાણ કરતા ભાવ દબાયા હતા. પરંતુ હવે ફરી વધવા લાગ્યા છે. આ સિવાય ચણાના ભાવ લાંબા વખતથી તેજીના માર્ગે આવ્યા છે. બે વર્ષથી મબલખ ઉત્પાદનને કારણે ભાવ કાબુમાં જ હતા.સરકારી ટેકાના ભાવ કરતાં પણ ખુલ્લા બજારમાં નીચી કિંમતે રહ્યા હતા. પરંતુ છેલ્લા એકાદ સપ્તાહમાં તેજી થઈ છે. યાર્ડમાં કર્વીન્ટલનાં 5200 થી આસપાસનાં ભાવ થયા છે.રીટેઈલમાં 5500 થી વધુ થયા છે. ચણાદાળનાં ભાવ પણ વધીને રૂા.6500 બોલાવા લાગ્યા છે.
સૌથી મોટી તેજી તુવેર તથા તુવેરદાળમાં થઈ છે. તુવેરદાળનો ભાવ 120 પર પહોંચી ગયો છે કિલોએ રૂા.10 વધી ગયા છે માલ ખેંચની સ્થિતિ જવાબદાર છે. મગના રીટેઈલ ભાવ પણ પ્રતિ કિલો સરેરાશ રૂા.8 વધીને 100 થી 115 થયા છે. મગદાળનાં રૂા.110 છે અડદના ભાવ પણ 100 થી વધુ રહ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે દેશ લેવલે છેલ્લા એક મહિનામાં અનાજ-કઠોળમાં સરેરાશ 8 થી 10 ટકાનો ભાવ વધારો થયો છે.
અનાજ-કઠોળમાં ભાવ વધારાથી સરકાર સતર્ક: સ્ટોક-સપ્લાય પર સતત વોચ
અનાજ-કઠોળમાં કેટલાંક દિવસોથી તેજીનો દોર શરૂ થવા સાથે સરેરાશ 8 થી 10 ટકાનો ભાવ વધારો થતા સરકાર પણ સતર્ક બની છે.મોંઘવારીનાં ચકકરને રોકવા લાંબા વખતથી પ્રયાસો વચ્ચે નવેસરથી ભાવ વધારાને ધ્યાને રાખીને સ્ટોક તથા સપ્લાય પર વોચ શરૂ કરવામાં આવી છે. આવતા મહિનાઓમાં કોઈ અસામાન્ય ભાવ વધારો ન થાય તે માટે ઘર આંગણાની માર્કેટ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે તુવેર અને અડદની ડીમાંડ-સપ્લાય વચ્ચે મોટો ગેપ છે.ડયુટી મુકત આયાતની છૂટ છતાં અછતની સ્થિતિ દુર થતી નથી. સીઝનની ડીમાંડ સારી હોવાથી ભાવ મોરચે દબાણ છે. સીઝનની ડીમાંડ સારી હોવાથી ભાવ મોરચે દબાણ છે.પીઠાઓમાં ઘટતી આવકથી ભાવ વધારો છે. ચણા લાંબા વખતથી સ્થિર હતા. ન્યુનતમ સમર્થન મુલ્ય મળે તે માટે ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદી પણ શરૂ કરી હતી ત્યારે ઉત્પાદન 135 લાખ ટનનાં અંદાજ સામે 100 લાખ ટન જ થાય તેમ હોવાથી ગણતરીએ ભાવ વધારો શરૂ થયો છે.જોકે મગ અને ચણાના ભાવ નિયંત્રણમાં જ છે.
માવઠાથી ઘઉંનો પાક 10 લાખ ટન ઘટશે: સરકારનો પ્રાથમિક અંદાજ
છેલ્લા એક મહિનાથી સતત વરસાદ માવઠુ પડી રહ્યું છે. ભારે પવન સાથે કરા વરસી રહ્યા છે. જેના કારણે ઘઉંના પાકને મોટુ નુકશાન થયુ છે.સરકારનાં પ્રાથમીક અંદાજ જબ 10 લાખ ટન ઘઉંના પાકનો અંદાજ ઘટે તેવી શકયતા છે. જોકે સરકારે હજુ સતાવાર જાહેરાત નથી કરી. સરકાર તમામ ઘઉં ઉત્પાદક રાજયોમાં સર્વે કરી રહ્યું છે. તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદે પંજાબ, હરીયાણા અને રાજસ્થાનનાં વિસ્તારોનાં ઘઉંનાં પાકને નુકશાન પહોંચાડયુ છે.
આ વિસ્તારોમાં 25 થી 50 ટકાનું નુકશાન નોંધાઈ રહ્યું છે.હવામાન વિભાગે હજુ 29 માર્ચથી ઉતર-પશ્ચિમમાં વરસાદની આગાહી કરી છે. દેશમાં ઘઉંના પાકનાં નુકશાન અને બસ્ટર લોસ ક્વોલીટી વધારે થઈ હોવાથી ઘઉંની ટેકાના ભાવથી ખરીદીમાં વિલંબ થઈ રહ્યું છે. સામાન્ય રીતે એપ્રિલની શરૂઆતમાં ખરીદી શરૂ થઈ જાય છે. ખેડૂતો લલણી કરેલ અનાજ સુકાઈ જવાની રાહ જુએ છે. કારણ કે કમોસમી વરસાદને કારણે ભેજનું પ્રમાણ વધ્યુ છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાનાં ચીફ અશોક કે મીનાએ ઘઉંની નિકાસ પ્રતિબંધ ત્યાં સુધી ચાલૂ રહેશે. જયાં સુધી તમામ ઘરેલુ પૂરવઠામાં અનુકુળતા આવશે નહિ. એટલે સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક પુરતો નહિ થાય ત્યાં સુધી નિકાસ પ્રતિબંધ ચાલૂ રહેશે.