રાજકોટ, તા. 30 : માધવપુર ઘેડ ગામે આજથી પાંચ દિવસ લોકમેળાનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે કેન્દ્રીય મંત્રી, કેબીનેટ મંત્રી, ગૃહમંત્રી સહિતના રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંજે છ કલાકે ઉદઘાટન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આજે રામનવમીના દિનથી પાંચ દિવસીય લોકમેળો ખુલ્લો મુકાશે ઉદઘાટન સમારોહમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં બે પ્રદેશની સંસ્કૃતિની ઝલક જોવા મળશે.
ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજજૂ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુળુભાઇ બેરા, મંત્રી કનુભાઇ દેસાઇ, કુંવરજીભાઇ બાવળીયા, મેઘાલય ટુરીઝમ આર્ટ એન્ડ કલ્ચર વિભાગના મંત્રી પોલ લિંગડોહ, રાજયમંત્રી ભીખુસિંહજી પરમાર, સાંસદ રમેશભાઇ ધડુક, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મેળામાં આવતીકાલે ઉતરપૂર્વીય રાજયના કલાકારો તથા ગુજરાતના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. આ ઉપરાંત નોર્થ ઇસ્ટ સહિતના ગુજરાતના રમતવીરો દરિયાઇ રમતો અને વિવિધ રમતોમાં ભાગ લેશે. દોડ, ફુટબોલ, જુડો, ટેકવેન્ડો, હેન્ડબોલ સહિતની રમતો યોજાશે.
પોરબંદર ખાતે આયોજિત માધવપુરના લોકમેળાના ઉદઘાટન પૂર્વે હાલ વિવિધ રાજ્યોના કલાકારો પોરબંદર આવી ચુક્યા છે અને પોતાના રાજ્યોની કલા અને સંસ્કૃતિના દર્શન કરાવવા પ્રેક્ટીસ કરી રહ્યા છે. જેમાં અરૂણાચલ પ્રદેશ તથા આસામની ટીમ તથા સ્થાનિક ત્રણ ટીમો રત્નસાગર હોલ ખાતે રિહર્સલ કરી રહી છે.માધવપુરના મેળામાં આસામ અને અરૂણાચલ પ્રદેશની બે ટીમો ખેત પાકોના વાવેતર, તેની જાણવણી અને પાકની લણણીના પ્રસંગો તથા નવા ધાન્ય ઘરમાં અને ગામમાં આવે તેની ખુશીમાં ગવાતા ગીતો પરંપરાગત વેશભૂષામાં રજૂ કરવામાં આવશે. તથા પહાડોમાં સ્થાનિક લોકો જંગલ વિસ્તારમાં ખેતીનું વાવેતર કરે તેને રજૂ કરાશે.
આસામથી પોતાના ગ્રુપ સાથે આવેલા માનવ જૂટીગાઈએ કહ્યું કે, માધવપુર ખાતે યોજનાર મેળામાં અમે આસામનું લોક ગીત મિસિંગ ગુમરાગ રજૂ કરશું. આસામમાં ચોખાનું વાવેતર થાય છે. ત્યારે, ચોખાના પાકની વાવણી અને પાકને લણતા હોય તેના પર આ લોક ગીત છે. ખેડૂતો અને શ્રમિકો જ્યારે પાકનું વાવેતર કરે, લણે, પાકની જાળવણી કરે તેને ઉજાગર કરતું આ લોકગીત છે. જેમાં ઢોલ, મંજીરા સાથે કૃતિ રજૂ કરતા હોય છે. અરૂણાચલ પ્રદેશના જેસીકા પેગુએ ઉત્સાહથી કહ્યું કે, ગુજરાત સરકારે મોટાપાયે આ પ્રકારનો કાર્યક્રમ યોજતા માધવપુર મેળા આવવાનો અવસર મળ્યો છે. અમારું ગ્રુપ બે કૃતિ રજૂ કરશે જે પહાડી વિસ્તારોમાં સ્થાનિક લોકો દ્વારા પહાડોમાં ખેતીનું ઉત્પાદન કરવામાં આવે,
ખેતીના પાકોનું વાવેતર, તેની જાણવણી, પાકની લણણી સમયે ખેડૂતો અને શ્રમિકો હાથેથી ધાનને કાપે તે પરંપરાગત પાકું જોતા કૃતિના માધ્યમથી ટ્રેડિશનલ પહેરવેશ સાથે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બીજી કૃતિ પાક ઉત્પાદન થયા પછી નવા ધાન્ય પાકો ઘરમાં અને ગામમાં આવે તેની ખુશીમાં ગામલોકો હારવેસ્ટ ફેસ્ટિવલ ઉજવે તે પ્રસંગને અનુરૂપ કૃતિ રજુ કરવામાં આવશે. પરંપરાગત મેળાને માણવા ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દેશ-દેશાવરથી લોકો ઉમટશે. ભગવાનના લગ્નના ધાર્મિક વાતાવરણ સાથે મનોરંજન માટે લોકમેળો માણવા ઉત્સાહ છવાયો છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
માધવપુરનાં લોકમેળામાં લોકડાયરાનું આયોજન
સાંઇરામ દવે, માયાભાઇ આહિર, કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, લલીતાબેન ઘોડાદ્રા સહિતના કલાકારોનો ડાયરો
માધવપુરના લોકમેળામાં તા.30 થી તા. 2 એપ્રિલ સુધી દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જેમા ઉત્તર પૂર્વીય 8 રાજયોની 16 ટીમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. ઉત્તર પૂર્વીય રાજયોમાંથી આવેલા આ તમામ કલાકારોને રહેવા જમવાની તથા આવવા જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છલોકમેળામાં દરરોજ સાંજે પાંચ વાગ્યાથી હાસ્યકલા અનેડાયરાઓ રજુ કરવામાં આવશે.
જેમાં તા.30 માર્ચના રોજ સાંઇરામ દવે અને લલીતાબેન ઘોડાદ્રા તા.31 ના રોજ કિર્તિદાન ગઢવી અને જગદીશભાઇ ત્રિવેદી તા.1 એપ્રિલના રોજ ગીતાબેન રબારી અને બીહારીભાઇ ગઢવી, તા.2 એપ્રિલના રોજ આદિત્ય ગઢવી અને અનિરૂધ્ધભાઇ ગઢવી તથા તા.3 એપ્રિલના રોજ માયાભાઇ આહિર કાર્યક્રમ રજુ કરશે. માધવપુરના લોક મેળામાં રાજયના રમત ગમત વિભાગ દ્વારા બીચ વોલીબોલ, નાળિયેર ફેંક, દોડ જુડો ટેક હોન્ડા રમત ગમત સ્પર્ધા યોજાશે મેળામાં સુરક્ષા માટે 11 ડી.વાય.એસ.પી. 28 પી.આઇ., 67 પી.એસ.આઇ. 892 પોલીસ સ્ટાફ, 628 જીઆરડી, એસ.આર.ડી. તથા 131 હોમગાર્ડ ફરજ બજાવશે.