અમરેલી, તા.30 : અમરેલી જિલ્લામાં આવતીકાલે ભગવાન શ્રી રામનાં જન્મોત્સવ અંતર્ગત રામનવમીની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ચિતલ, સાવરકુંડલા, રાજુલા, ધારી સહિતનાં શહેરોમાં ભગવાન શ્રીરામનાં ભકતો દ્વારા શ્રી રામ જન્મોત્સવની ઉજવણી થઇ રહી છે. અમરેલી ખાતે છેલ્લા 3પ વર્ષથી વિહિપ ઘ્વારા યોજાતી શોભાયાત્રા અકળ કારણોસર બંધ રખાતા ભારે આશ્ર્ચર્ય ફેલાયું છે. શહેરનાં સુપ્રસિઘ્ધ રામજી મંદિર ખાતે બપોરે 1ર કલાકે મહાઆરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવેલ.
ખાંભા
ખાંભા ઉત્સવ સમિતિ તથા સમસ્ત હિન્દુ સમાજ ખાંભા તથા ગ્રામજનોના સહકારથી રામનવમીની શાનદાર ઉજવણી અવસરે ભવ્ય શોભાયાત્રામાં શણગારેલા રથ, ટ્રેકટરો, શ્રીરામ, કાનુડો, શિવજી, મહારાજ મહારાણા પ્રતાપ, હનુમાનજી, ઋષિમુનિ, રાણી લક્ષ્મીબાઈ, મા દુર્ગા, ઝાંસીની રાણીના ભૂલકાઓ દ્વારા વેશભૂષા સાથે શોભાયાત્રામાં ખાંભા શહેર મેઈનબજાર, શેરીઓ, ભગવતી પરા સહિતના વિસ્તારોમાંથી પસાર થશે. રામનવમી ઉજવવાના અનોખા ઉત્સવના માહોલમાં ખાંભામાં ધજા, પતાકા સહિત શણગારવામાં આવેલ છે. ખાંભા ગુરૂકુળમાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરી ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ખાંભા ગાંધી ચોકમાં પૂર્ણ થયાં બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલા
રામનવમી. ભગવાન શ્રી રામજન્મોત્સવ. સાવરકુંડલા શહેરમાં દર વર્ષની જેમ રામનવમી નિમિત્તે નીકળતી શોભાયાત્રાનો એક અલગ જ અંદાજ હોય છે. વિવિધ પ્રકારના ફલોટ્સ સાથે શણગારેલા વિવિધ વાહનોમાં નિયત કરેલાં રૂટ પર આ શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર શહેર જાણે રામમય હોય તેવું વાતાવરણ જયારે શોભાયાત્રા નીકળે છે
ત્યારે જોવા મળે છે. ઠેર ઠેર શરબત, ઠંઠા પીણાં, છાશ અને પીવાના પાણીની વ્યવસ્થા પણ લોકો દ્વારા કરવામાં આવે છે. બળદગાડી, ઘોડેસવારી, તેમજ વિવિધ આકર્ષક શણગાર સજીને લોકો પણ આ શોભાયાત્રામાં હોંશે હોંશે સામેલ થાય છે. અબીલ ગુલાલની છોળો વચ્ચે પસાર થતી એ રથયાત્રાની શોભા પણ અનેરી હોય છે. ધજા પતાકાથી શણગારેલ વિસ્તારોની શોભા પણ ઘ્યાનાકર્ષક હોય છે. લોકો પણ આ શોભાયાત્રાના દર્શન કરવા ઉમટી પડયા હતા.