નવી દિલ્હી તા.30 : રાહુલ ગાંધીને મોદી સરનેમ વિવાદમાં બે વર્ષની જેલસજા થઈ અને તેને કારણે તેનું લોકસભાનું સભ્યપદ રદ થયું તે અંગે હવે સુપ્રીમ કોર્ટે નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે બે વર્ષ કે તેથી વધુની સજામાં સાંસદ કે ધારાસભ્યો પોતે આ સભ્યપદ ગુમાવે તે અત્યંત કડક કાયદો છે અને તેથી અદાલતોએ આ પ્રકારના લોકપ્રતિનિધિઓ સામેની સજા નિશ્ચિત કરતા સમયે અત્યંત સાવધાની રાખવી જોઈએ.
► બે વર્ષ કે તેથી વધુની જેલ સજામાં ધારાગૃહનું સભ્યપદ પણ ગુમાવે તે જોગવાઈ અત્યંત કડક: હાઈકોર્ટ સહિતની અદાલતોને સુપ્રીમની સલાહ
કાનુની કવરેજ માટે જાણીતી વેબસાઈટ એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે બુધવારે એક મામલાની સુનાવણી કરતા સમયે આ નિરીક્ષણ વ્યક્ત કર્યુ હતું જેને અત્યંત મહત્વનું ગણવામાં આવે છે. ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફ તથા ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્નાની ખંડપીઠ લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલને થયેલી સજા અને તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરાયું તેને સંબંધીત રીટ અરજી પર સુનાવણી સમયે આ નિરીક્ષણ દર્શાવ્યું હતું. મોહમ્મદ ફૈઝલને 10 વર્ષની જેલસજા થયા બાદ કેરળ હાઈકોર્ટે તેની સામે સ્ટે આપ્યો હતો અને તેમ છતાં પણ લોકસભા સચીવાલય દ્વારા તેમનું સભ્યપદ પુન: બહાલ ન કરાતા ફૈઝલે સુપ્રીમમાં અરજી કરી હતી.
► હાલમાં જ રાહુલ ગાંધીને સુરતની અદાલતે કરેલી બે વર્ષની જેલસજાનો આડકતરો પડઘો: ન્યાયમૂર્તિ જોસેફ અને નાગરત્નાનું મહત્વનું નિરીક્ષણ
સુનાવણી સમયે એડીશ્નલ સોલીસીટર જનરલ કે.એમ.નટરાજને જનપ્રતિનિધિત્વ કાનૂનની ધારા 8 (3) હેઠળ સાંસદો અને ધારાસભ્યોને બે વર્ષની જેલસજા સાથે સભ્યપદ ગુમાવે છે તેવી જોગવાઈનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ જસ્ટીસ જોસેફે જણાવ્યું કે આ જોગવાઈ અત્યંત કડક છે અને તેથી અદાલતે સજા સંભળાવતા સમયે સંભાળપૂર્વક આગળ વધવું જોઈએ. મોહમ્મદ ફૈઝલના ધારાશાસ્ત્રીએ રજુઆત કરી કે ફૈઝલનું સભ્યપદ આજે જ (બુધવારે) ફરી સ્થાપિત કરાયું છે પરંતુ પુરી પ્રક્રિયા થતા બે મહિના લાગ્યા હતા. તેઓએ આ અંગે સુનાવણી યથાવત રાખવા માંગણી કરી હતી જેમાં હવે તા.24 એપ્રિલે સુનાવણી થશે.